amaz

Tuesday 25 April 2017

~: દાદા ખાચર :~

~: દાદા ખાચર :~


ગઢડામાં એભલ ખાચરની જમીનના બે ભાગીદારો હતા. એક દાદા ખાચર અને બીજા જીવા ખાચર. બન્ને સહજાનંદ સ્વામીના પરમ ભક્તો. છતાં સ્વામીજીને દાદા ખાચર પ્રત્યે વધુ લાગણી હતી. જીવા ખાચરને ઘણી વાર થતું કે હું પણ દાદા ખાચર જેવી જ ભક્તિ કરું છું તો સ્વામીજી આવો ભેદ કેમ કરતા હશે ?
એકવાર સ્વામીજી એ બન્ને સાથે ધર્મવાર્તાલાપ કરતા હતા ત્યાં એકાએક વંટોળ આવ્યો. તેઓ સત્સંગ કરતા હતા તેની સમીપમાં માર્ગ પર કોઇ સાધુ રસોઇ કરતો હતો પણ પવનને કારણે ચૂલાનો અગ્નિ વારંવાર ઓલવાઇ જતો અને ધૂમાડો થતો. અગ્નિને ફૂંકી ફૂંકીને સાધુની આંખો લાલચોળ થઇ ગઇ હતી અને આંખમાંથી પાણી વહી જતું હતું.
સહજાનંદ સ્વામીએ આ જોયું એટલે જીવા ખાચરને કહ્યું- 'તમે આ સાધુઓને માટે કોઇ ધર્મશાળા બનાવી આપોને ?' જીવા ખાચરે કહ્યું- 'આવા તો કેટલાય સાધુઓ- વૈરાગીઓ રસ્તા પર ફરતા રહેતા હોય છે. એમને માટે ધર્મશાળા બનાવવા હું કંઇ નવરો નથી.
કેટલાને માટે બનાવવી ?'
એ પછી સહજાનંદ સ્વામીએ દાદા ખાચરને કહ્યું- 'તમને શું લાગે છે ? તમારી આ સાધુઓને માટે ધર્મશાળા બનાવવાની ઇચ્છા ખરી ?' દાદા ખાચરે તરત જવાબ આપ્યો- 'મહારાજ, એમાં ધર્મશાળા બંધાવવાની ક્યાં જરૃર છે ?' સ્વામીજીએ પૂછયું- 'કેમ, જરૃર નથી ?' દાદા ખાચરે કહ્યું-'ધર્મશાળા બંધાવા જેટલો સમય વીતાવવાની ક્યાં જરૃર છે ? હું મારું ઘર જ એમને આપી દઉં છું !'
સહજાનંદ સ્વામીએ કહ્યું- 'તમારું ઘર આપી દેશો તો તમે ક્યાં રહેશો ?' દાદા ખાચરે કહ્યું- 'હું તમારા ભેગો રહીશ ! બટકું રોટલો તો મળી જ રહેશે !' સહજાનંદ સ્વામીએ જીવા ! ખાચર તરફ જોયું અને કહ્યું- 'જીવા ખાચર, હવે તમને સમજાયું ને કે હું દાદા ખાચર પ્રત્યે કેમ વધુ પ્રેમભાવ ધરાવું છું ?
જીવા ખાચરે માથું નમાવીને કહ્યું- 'ખરું છે, મારા કરતાં દાદા ખાચરની ભક્તિ ચાર વેંત ઊંચી છે !'
⊍ જય સ્વામિનારાયણ ⊍