amaz

Thursday 8 June 2017

વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ૩

                                            લીલાચરિત્રને સંભારી રાખવાનું


સંવત્ ૧૮૭૬ ના માગશર સુદિ ૬ છઠને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં રાત્રિને સમે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાને જે જે અવતારે કરીને જે જે સ્થાનકને વિષે જે જે લીલા કરી હોય તે સંભારી રાખવી અને બ્રહ્મચારી, સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું અને સર્વને સંભારી રાખવા. તે શા સારુ જે, કદાપિ દેહ મુકયા સમે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાને જે સ્થાનકને વિષે લીલા કરી હોય તે જો સાંભરી આવે અથવા સત્સંગી સાંભરી આવે અથવા બ્રહ્મચારી ને સાધુ સાંભરી આવે તો તેને યોગે કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભરી આવે અને તે જીવ મોટી પદવીને પામે અને તેનું ઘણું રૂડું થાય, તે માટે અમે મોટા મોટા વિષ્ણુયાગ કરીએ છીએ તથા જન્માષ્ટમી અને એકાદશી આદિક વ્રતના વર્ષોવર્ષ ઉત્સવ કરીએ છીએ અને તેમાં બ્રહ્મચારી,સાધુ, સત્સંગીને ભેળા કરીએ છીએ. અને જો કોઈક પાપી જીવ હોય અને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય.”


#swamisthought 

https://www.facebook.com/swamisthought

વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ૨


ત્રણ પ્રકારના વૈરાગ્યનું


સંવત્ ૧૮૭૬ ના માગશર સુદિ ૫ પંચમીને દિવસે શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં રાત્રિને સમે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી મયારામ ભટ્ટે શ્રીજીમહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછયું જે, “હે મહારાજ ! ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણ પ્રકારનો જે વૈરાગ્ય તેનાં શાં લક્ષણ છે તે કહો.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “ઉત્તમ વૈરાગ્ય જેને હોય તે પરમેશ્વરની આજ્ઞાએ કરીને અથવા પોતાનાં પ્રારબ્ધકર્મ વશે કરીને વ્યવહારમાં રહે પણ તે વ્યવહારમાં જનકરાજાની પેઠે લોપાય નહિ અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ પ્રકારના જે ઉત્તમ વિષય તે પોતાના પ્રારબ્ધ અનુસારે પ્રાપ્ત થાય તેને ભોગવે પણ પ્રીતિએ રહિત ઉદાસ થકો ભોગવે અને તે વિષય એને લોપી શકે નહિ અને તેનો ત્યાગ મોળો ન પડે અને તે વિષયને વિષે નિરંતર દોષને દેખતો રહે અને વિષયને શત્રુ જેવા જાણે અને સંત, સતશાસ્ત્ર અને ભગવાનની સેવા તેનો નિરંતર સંગ રાખે અને દેશ, કાળ, સંગ આદિક જો કઠણ આવી પડે તો પણ એની જે એવી સમજણ તે મોળી પડે નહિ, તેને ઉત્તમ વૈરાગ્યવાળો કહીએ. અને જેને મધ્યમ વૈરાગ્ય હોય તે પણ ઉત્તમ એવા જે પંચ પ્રકારના વિષય તેને ભોગવે પણ તેમાં આસક્ત ન થાય અને જો દેશ, કાળ, સંગ કઠણ પ્રાપ્ત થાય તો વિષયને વિષે બંધાઈ જાય અને વૈરાગ્ય મંદ પડી જાય તેને મધ્યમ વૈરાગ્યવાળો કહીએ. અને જે કનિષ્ઠ વૈરાગ્યવાળો હોય તેને સામાન્ય અને દોષેયુક્ત એવા પંચવિષય જો પ્રાપ્ત થાય અને તેને ભોગવે તો તેમાં ન બંધાય અને જો સારા પંચવિષય પ્રાપ્ત થાય અને તેને ભોગવે તો તેમાં બંધાઈ જાય, તેને મંદ વૈરાગ્યવાળો કહીએ.”