amaz

Tuesday 1 May 2018

વડતાલ ૧૩ : બ્રહ્મ વ્યાપક હોય તે મૂર્તિમાન કેમ કહેવાય ?

વડતાલ  ૧૩ : બ્રહ્મ વ્યાપક હોય તે મૂર્તિમાન કેમ કહેવાય ?



સંવત્ ૧૮૮૨ના પોષ વદિ ૭ સપ્‍તમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મઘ્‍યે શ્રીલક્ષ્મીનારાયણના દરબારમાં લીંબડાના વૃક્ષની તળે પાટ ઉપર ગાદીતકિયા નંખાવીને વિરાજમાન હતા, અને અંગને વિષે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે શ્વેત પુષ્પના હાર પહેર્યા હતા, અને હસ્‍તકમળે કરીને એક દાડમનું ફળ ઉછાળતા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને શ્રીજીમહારાજને ઉપર સોનાને ઈંડાએ સહિત છત્ર વિરાજમાન હતું. એવી શોભાને ધરતા થકા શ્રીજીમહારાજ વિરાજમાન હતા.
તે સમયમાં ગામ ભાદરણના પાટીદાર ભગુભાઈ શ્રીજી મહારાજ પાસે આવ્‍યા હતા. તેણે પુછયું જે, “હે મહારાજ ! આ સમાધિ તે કેમ થતી હશે?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જીવોના કલ્‍યાણને અર્થે આ ભરતખંડમાં ભગવાન અવતાર ધરે છે. અને તે ભગવાન જ્યારે રાજારૂપે હોય ત્‍યારે તો ઓગણચાળીશ લક્ષણે યુક્ત હોય, અને દત્ત કપિલ જેવા સાધુરૂપે હોય ત્‍યારે તો ત્રીશ લક્ષણે યુક્ત હોય. તે ભગવાનની મૂર્તિ દેખવામાં તો મનુષ્ય સરખી આવતી હોય પણ એ અતિશે અલૌકિક મૂર્તિ છે. જેમ પૃથ્‍વીને વિષે સર્વે પથરા છે તેમ ચમકપાણ પણ પથરો છે, પણ ચમકપાણમાં સહેજે એવો ચમત્‍કાર રહ્યો છે જે, ચમકના પર્વતને સમીપે વહાણ જાય ત્‍યારે તેના ખીલા ચમકના પાણા પાસે તણાઈ જાય છે. તેમ ભગવાનની જે મૂર્તિ રાજારૂપે છે ને સાધુરૂપે છે તે મૂર્તિનું જ્યારે જે જીવ શ્રદ્ધાએ કરીને દર્શન કરે છે તેનાં ઈન્‍દ્રિયો ભગવાન સામાં તણાઈ જાય છે ત્‍યારે સમાધિ થાય છે. જેમ શ્રીકૃષ્ણ ભગવાનનું દર્શન કરીને ગોકુળ-વાસી સર્વેને સમાધિ થઈ હતી, અને ભગવાને તે સમાધિમાં પોતાનું ધામ દેખાડયું હતું તેવી રીતે જે જે સમયમાં ભગવાનના અવતાર હોય તે તે સમયમાં ભગવાનની મૂર્તિને વિષે એવો ચમત્‍કાર જરૂર હોય, તે જે શ્રદ્ધાએ યુક્ત ભગવાનનાં દર્શન કરે તેનાં ઈન્‍દ્રિયો સર્વે ભગવાન સામાં તણાઈ જાય અને તત્‍કાળ સમાધિ થાય. અને કોઈક સમયમાં ભગવાનને ઘણાક જીવને પોતાને સન્‍મુખ કરવા હોય ત્‍યારે તો અભક્ત જીવ હોય અથવા પશુ હોય તેને પણ ભગવાનને જોઈને સમાધિ થઈ જાય છે, તો ભગવાનના ભક્તને થાય એમાં શું આશ્વર્ય છે ?”
પછી મુકતાનંદસ્વામીએ પુછયું જે, “બ્રહ્મ છે તે તો સર્વત્ર વ્‍યાપક છે એમ સર્વે કહે છે. તે જે વ્‍યાપક હોય તેને મૂર્તિમાન કેમ કહેવાય અને જે મૂર્તિમાન હોય તેને વ્‍યાપક કેમ કહેવાય ? એ પ્રશ્ર્ન છે.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “બ્રહ્મ તો એકદેશી છે પણ સર્વદેશી નથી ને તે બ્રહ્મ તે શ્રીકૃષ્ણભગવાન છે. તે એકદેશી થકા સર્વ દેશી છે જેમ કોઈક પુરૂષે સૂર્યની ઉપાસના કરી હોય, પછી સૂર્ય તેને પોતાની સરખી દૃષ્ટિ આપે ત્‍યારે તે પુરૂષ જ્યાં સુધી સૂર્યની દૃષ્ટિ પહોંચતી હોય ત્‍યાં સુધી દેખે અને વળી જેમ સિદ્ધાદશાવાળો પુરૂષ હોય તે હજારો ને લાખો ગાઉ ઉપર કોઈક વાત કરતો હોય તેને જેમ પાસે વાર્તા કરે ને સાંભળે તેમ સાંભળે, તેમજ લાખો ગાઉ ઉપર કાંઈક વસ્‍તુ પડી હોય તેને મનુષ્ય જેવડા હાથ હોય તેણે કરીને પણ ઉપાડે, તેમ શ્રીકૃષ્ણ ભગવાન પણ એક ઠેકાણે રહ્યા થકા પોતાની ઈચ્‍છાએ કરીને જ્યાં દર્શન દેવાં હોય ત્‍યાં દર્શન આપે છે. અને એકરૂપ થકા અનંતરૂપે ભાસે છે, અને સિદ્ધ હોય તેમાં પણ દુરશ્રવણ દુરદર્શનરૂપ ચમત્‍કાર હોય તો પરમેશ્વરમાં હોય તેમાં શું આશ્વર્ય છે ? અને ભગવાનને ગ્રન્‍થમાં વ્‍યાપક કહ્યા છે તે તો મૂર્તિમાન છે, તે જ પોતાની સામર્થીએ કરીને એક ઠેકાણે રહ્યા થકા સર્વને દર્શન આપે છે, એમ વ્‍યાપક કહ્યા છે, પણ આકાશની પેઠે અરૂપ થકા વ્‍યાપક નથી. ભગવાન તો સદા મૂર્તિમાન છે તે મૂર્તિમાન ભગવાન અક્ષરધામમાં રહ્યા થકા જ અનંત કોટિ બ્રહ્માંડમાં ભાસે છે.” ઇતિ વચનામૃતમ્ વરતાલનું||૧૩||