amaz

Friday, 27 July 2018

#કાંટા_વીનાની_બોરડીના

ગોપાળાનંદ સ્વામી ના વચને જે બોરડી ના કાંટા ખરી ગયાં હતાં, એ પ્રસાદીની #કાંટા_વીનાની_બોરડીના સુંદર દર્શન...
આ બોરડી ૧૮૬ વર્ષ જૂની છે. આ બોરડી વૃક્ષ રાજકોટ સ્વામિનારાયણ મંદિર માં છે. સર જહોન માલ્કમ ના આમંત્રણને માન આપીને શ્રી સ્વામિનારાયણ ભગવાન સં. ૧૮૮૬ ના ફાગણ સુદ - ૫ તા. ૨૬-૦૨-૧૮૩૦ ના રોજ રાજકોટ પધારેલા. તે સમયે આ બોરડી નીચે સત્સંગ સભા ભરાઈ હતી. આ સત્સંગ સભામાં શ્રી સ્વામિનારાયણ ભગવાન, સદ્દ. શ્રી ગોપાળાનંદ સ્વામી, અન્ય સંતો અને હરિભક્તો હાજર હતા. સર માલ્કમ સાથેની સભા પુરી થઇ, ગોપાળાનંદ સ્વામી ઉભા થયાં સ્વામી ઊંચા બઉ હતાં, એટલે સ્વામી ની પાઘ બોરડી ના કાંટા મા ફસાઇ ગઇ ત્યારે સદ્દ. ગોપાળાનંદ સ્વામીના મુખમાંથી અચાનક જ શબ્દો સારી પડયા " અરે બોરડી, સર્વ અવતારી સ્વામિનારાયણ ભગવાન નો તને સાક્ષાત સંબંધ થયો છતા તારો સ્વભાવ તે છોડયો નહિ. ધિક્કાર છે તને. આ શબ્દો સંભાળતા જ બોરડીના તમામ કાંટા ખરી પડયા. આજે પણ આ બોરડી જીવંત છે અને તેમાં એક પણ કાંટા નથી. સાયન્સ ક્યાં પંહોચ્યું પણ એ સાયન્સ આ બોરડી પર રિસર્ચ કરવાં સમર્થ નથી. વિજ્ઞાન નો એવો નિયમ છે કે કાંટા વાળા વૃક્ષો તેની શ્વાચ્છોશ્વાસ ની ક્રિયા કાંટા ના માધ્યમ થી કરે છે પણ ખબર નહિ આ બોરડીને એકેય કાંટો નથી. છતાંય આ બોરડી જીવંત છે..
આ બોરડી વૃક્ષ અત્યારે પણ '' બોર '' આપે છે #swamisthought


Tuesday, 1 May 2018

વડતાલ ૧૩ : બ્રહ્મ વ્યાપક હોય તે મૂર્તિમાન કેમ કહેવાય ?

વડતાલ  ૧૩ : બ્રહ્મ વ્યાપક હોય તે મૂર્તિમાન કેમ કહેવાય ?



સંવત્ ૧૮૮૨ના પોષ વદિ ૭ સપ્‍તમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મઘ્‍યે શ્રીલક્ષ્મીનારાયણના દરબારમાં લીંબડાના વૃક્ષની તળે પાટ ઉપર ગાદીતકિયા નંખાવીને વિરાજમાન હતા, અને અંગને વિષે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે શ્વેત પુષ્પના હાર પહેર્યા હતા, અને હસ્‍તકમળે કરીને એક દાડમનું ફળ ઉછાળતા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને શ્રીજીમહારાજને ઉપર સોનાને ઈંડાએ સહિત છત્ર વિરાજમાન હતું. એવી શોભાને ધરતા થકા શ્રીજીમહારાજ વિરાજમાન હતા.
તે સમયમાં ગામ ભાદરણના પાટીદાર ભગુભાઈ શ્રીજી મહારાજ પાસે આવ્‍યા હતા. તેણે પુછયું જે, “હે મહારાજ ! આ સમાધિ તે કેમ થતી હશે?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જીવોના કલ્‍યાણને અર્થે આ ભરતખંડમાં ભગવાન અવતાર ધરે છે. અને તે ભગવાન જ્યારે રાજારૂપે હોય ત્‍યારે તો ઓગણચાળીશ લક્ષણે યુક્ત હોય, અને દત્ત કપિલ જેવા સાધુરૂપે હોય ત્‍યારે તો ત્રીશ લક્ષણે યુક્ત હોય. તે ભગવાનની મૂર્તિ દેખવામાં તો મનુષ્ય સરખી આવતી હોય પણ એ અતિશે અલૌકિક મૂર્તિ છે. જેમ પૃથ્‍વીને વિષે સર્વે પથરા છે તેમ ચમકપાણ પણ પથરો છે, પણ ચમકપાણમાં સહેજે એવો ચમત્‍કાર રહ્યો છે જે, ચમકના પર્વતને સમીપે વહાણ જાય ત્‍યારે તેના ખીલા ચમકના પાણા પાસે તણાઈ જાય છે. તેમ ભગવાનની જે મૂર્તિ રાજારૂપે છે ને સાધુરૂપે છે તે મૂર્તિનું જ્યારે જે જીવ શ્રદ્ધાએ કરીને દર્શન કરે છે તેનાં ઈન્‍દ્રિયો ભગવાન સામાં તણાઈ જાય છે ત્‍યારે સમાધિ થાય છે. જેમ શ્રીકૃષ્ણ ભગવાનનું દર્શન કરીને ગોકુળ-વાસી સર્વેને સમાધિ થઈ હતી, અને ભગવાને તે સમાધિમાં પોતાનું ધામ દેખાડયું હતું તેવી રીતે જે જે સમયમાં ભગવાનના અવતાર હોય તે તે સમયમાં ભગવાનની મૂર્તિને વિષે એવો ચમત્‍કાર જરૂર હોય, તે જે શ્રદ્ધાએ યુક્ત ભગવાનનાં દર્શન કરે તેનાં ઈન્‍દ્રિયો સર્વે ભગવાન સામાં તણાઈ જાય અને તત્‍કાળ સમાધિ થાય. અને કોઈક સમયમાં ભગવાનને ઘણાક જીવને પોતાને સન્‍મુખ કરવા હોય ત્‍યારે તો અભક્ત જીવ હોય અથવા પશુ હોય તેને પણ ભગવાનને જોઈને સમાધિ થઈ જાય છે, તો ભગવાનના ભક્તને થાય એમાં શું આશ્વર્ય છે ?”
પછી મુકતાનંદસ્વામીએ પુછયું જે, “બ્રહ્મ છે તે તો સર્વત્ર વ્‍યાપક છે એમ સર્વે કહે છે. તે જે વ્‍યાપક હોય તેને મૂર્તિમાન કેમ કહેવાય અને જે મૂર્તિમાન હોય તેને વ્‍યાપક કેમ કહેવાય ? એ પ્રશ્ર્ન છે.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “બ્રહ્મ તો એકદેશી છે પણ સર્વદેશી નથી ને તે બ્રહ્મ તે શ્રીકૃષ્ણભગવાન છે. તે એકદેશી થકા સર્વ દેશી છે જેમ કોઈક પુરૂષે સૂર્યની ઉપાસના કરી હોય, પછી સૂર્ય તેને પોતાની સરખી દૃષ્ટિ આપે ત્‍યારે તે પુરૂષ જ્યાં સુધી સૂર્યની દૃષ્ટિ પહોંચતી હોય ત્‍યાં સુધી દેખે અને વળી જેમ સિદ્ધાદશાવાળો પુરૂષ હોય તે હજારો ને લાખો ગાઉ ઉપર કોઈક વાત કરતો હોય તેને જેમ પાસે વાર્તા કરે ને સાંભળે તેમ સાંભળે, તેમજ લાખો ગાઉ ઉપર કાંઈક વસ્‍તુ પડી હોય તેને મનુષ્ય જેવડા હાથ હોય તેણે કરીને પણ ઉપાડે, તેમ શ્રીકૃષ્ણ ભગવાન પણ એક ઠેકાણે રહ્યા થકા પોતાની ઈચ્‍છાએ કરીને જ્યાં દર્શન દેવાં હોય ત્‍યાં દર્શન આપે છે. અને એકરૂપ થકા અનંતરૂપે ભાસે છે, અને સિદ્ધ હોય તેમાં પણ દુરશ્રવણ દુરદર્શનરૂપ ચમત્‍કાર હોય તો પરમેશ્વરમાં હોય તેમાં શું આશ્વર્ય છે ? અને ભગવાનને ગ્રન્‍થમાં વ્‍યાપક કહ્યા છે તે તો મૂર્તિમાન છે, તે જ પોતાની સામર્થીએ કરીને એક ઠેકાણે રહ્યા થકા સર્વને દર્શન આપે છે, એમ વ્‍યાપક કહ્યા છે, પણ આકાશની પેઠે અરૂપ થકા વ્‍યાપક નથી. ભગવાન તો સદા મૂર્તિમાન છે તે મૂર્તિમાન ભગવાન અક્ષરધામમાં રહ્યા થકા જ અનંત કોટિ બ્રહ્માંડમાં ભાસે છે.” ઇતિ વચનામૃતમ્ વરતાલનું||૧૩||

Monday, 11 December 2017

શ્રી ભ્રહ્માનંદ સ્વામી

2. શ્રી ભ્રહ્માનંદ સ્વામી 

:- રાજસ્થાન માં આબુ તળેટી માં ખાણ ગામ માં શભુંદાન ગઢવી ને ત્યાં તેમના ધર્મ પત્ની લાલબાના ઉદરે સં .૧૮૨૮ ના જેઢ સુદી ૮ ના રોજ જન્મેલા. લાડુ બારોટ ચારણ જ્ઞાતિ ના હતા .બચપણ થી જોડકણાં,દોહા અને સાખી નો છંદ લાગેલો .તેથી ઉદેપુર ના રાણા કહેવાથી કરછ માં પિંગળ શાસ્ત્રનો અભ્યાસ કર્યો .વાકચતુરી અને કવિતા માં પ્રવીણતા મેળવી, પછી લાડુ બારોટ ને મોટા મોટા મહારાજાઓના નોતરાં આવતાં , તેમને મહારાજાનાય
મહારાજ શ્રી સહજાનંદ સ્વામી નું નોતરૃ મળ્યું ત્યારે જ અંતર માં ટાઢક થઈ . બધા જ સગપણો માં 'રે સગપણ હરિવર નું સાચું રે ' લાગતા , વડોદરા ના રાજકવી તરીકે ની આવક અને કીર્તિ ને ઠોકર મારી .
આ લાડુ બારોટ તે જ સ.ગુ.શ્રી ભ્રહ્માનંદ સ્વામી. ભક્તિ માં પાછળ ન રહેનાર ભ્રહ્માનંદ વ્યહાર માં પણ કાચા ન હતા .
તેઓ મન્દિર ના કામ માટે ચુનાની ચક્કી જાતે પીસી ને લોકો ને શ્રમ અને સેવા નો બોધ આપતા હતા .તો ચુનાની ચક્કી માં એક હાથે બળદ ની રાશ પકડી અને બીજા હાથે પુસ્તક રાખી વાંચતા હતા .અને જ્ઞાનપીપાસા સંતોષતા હતા .આવો જ્ઞાન અને કર્મ નો સુમેળ સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય બીજે ક્યાં જોવા મળશે ?? એટલું જ નહીં પણ તેમને હનુમાન અને લક્ષ્મણ જેવા યતિ કહેવતા હતા . આવા મહાન સંત અને જ્ઞાની આઠ હજાર જેટલા કાવ્યો અને બાર ગ્રંથો તથા વડતાલ , મૂળી અને જૂનાગઠ ના ભવ્ય શિખર બધ્ધ ગગનચુબી મન્દિર નિર્માણ નો અમર વારસો મૂકી નાશવંત દેહ છોડી સં.૧૮૮૮ માં જેઢ સુદી ૧૦ ના રોજ અક્ષરધામ ને પંથે વિચર્યા



🙏 જય સ્વામિનારાયણ    #swamisthought 🙏

Thursday, 8 June 2017

વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ૩

                                            લીલાચરિત્રને સંભારી રાખવાનું


સંવત્ ૧૮૭૬ ના માગશર સુદિ ૬ છઠને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં રાત્રિને સમે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાને જે જે અવતારે કરીને જે જે સ્થાનકને વિષે જે જે લીલા કરી હોય તે સંભારી રાખવી અને બ્રહ્મચારી, સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું અને સર્વને સંભારી રાખવા. તે શા સારુ જે, કદાપિ દેહ મુકયા સમે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાને જે સ્થાનકને વિષે લીલા કરી હોય તે જો સાંભરી આવે અથવા સત્સંગી સાંભરી આવે અથવા બ્રહ્મચારી ને સાધુ સાંભરી આવે તો તેને યોગે કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભરી આવે અને તે જીવ મોટી પદવીને પામે અને તેનું ઘણું રૂડું થાય, તે માટે અમે મોટા મોટા વિષ્ણુયાગ કરીએ છીએ તથા જન્માષ્ટમી અને એકાદશી આદિક વ્રતના વર્ષોવર્ષ ઉત્સવ કરીએ છીએ અને તેમાં બ્રહ્મચારી,સાધુ, સત્સંગીને ભેળા કરીએ છીએ. અને જો કોઈક પાપી જીવ હોય અને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય.”


#swamisthought 

https://www.facebook.com/swamisthought

વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ૨


ત્રણ પ્રકારના વૈરાગ્યનું


સંવત્ ૧૮૭૬ ના માગશર સુદિ ૫ પંચમીને દિવસે શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં રાત્રિને સમે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી મયારામ ભટ્ટે શ્રીજીમહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછયું જે, “હે મહારાજ ! ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણ પ્રકારનો જે વૈરાગ્ય તેનાં શાં લક્ષણ છે તે કહો.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “ઉત્તમ વૈરાગ્ય જેને હોય તે પરમેશ્વરની આજ્ઞાએ કરીને અથવા પોતાનાં પ્રારબ્ધકર્મ વશે કરીને વ્યવહારમાં રહે પણ તે વ્યવહારમાં જનકરાજાની પેઠે લોપાય નહિ અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ પ્રકારના જે ઉત્તમ વિષય તે પોતાના પ્રારબ્ધ અનુસારે પ્રાપ્ત થાય તેને ભોગવે પણ પ્રીતિએ રહિત ઉદાસ થકો ભોગવે અને તે વિષય એને લોપી શકે નહિ અને તેનો ત્યાગ મોળો ન પડે અને તે વિષયને વિષે નિરંતર દોષને દેખતો રહે અને વિષયને શત્રુ જેવા જાણે અને સંત, સતશાસ્ત્ર અને ભગવાનની સેવા તેનો નિરંતર સંગ રાખે અને દેશ, કાળ, સંગ આદિક જો કઠણ આવી પડે તો પણ એની જે એવી સમજણ તે મોળી પડે નહિ, તેને ઉત્તમ વૈરાગ્યવાળો કહીએ. અને જેને મધ્યમ વૈરાગ્ય હોય તે પણ ઉત્તમ એવા જે પંચ પ્રકારના વિષય તેને ભોગવે પણ તેમાં આસક્ત ન થાય અને જો દેશ, કાળ, સંગ કઠણ પ્રાપ્ત થાય તો વિષયને વિષે બંધાઈ જાય અને વૈરાગ્ય મંદ પડી જાય તેને મધ્યમ વૈરાગ્યવાળો કહીએ. અને જે કનિષ્ઠ વૈરાગ્યવાળો હોય તેને સામાન્ય અને દોષેયુક્ત એવા પંચવિષય જો પ્રાપ્ત થાય અને તેને ભોગવે તો તેમાં ન બંધાય અને જો સારા પંચવિષય પ્રાપ્ત થાય અને તેને ભોગવે તો તેમાં બંધાઈ જાય, તેને મંદ વૈરાગ્યવાળો કહીએ.”

Thursday, 11 May 2017

વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ૧

   
                                   મૂર્તિમાં અખંડવૃત્તિ – ધર્મકુળાશ્રિતની ધામગતિનું



સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૪ ચતુર્થીને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં સાધુની જાયગાને વિષે રાત્રિને સમે પધાર્યા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછયું જે, “સર્વ સાધનમાં કયું સાધન કઠણ છે?” ત્યારે સર્વ બ્રહ્મચારી, સાધુ તથા ગૃહસ્થ તેમણે પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો પણ થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો અમે ઉત્તર કરીએ જે, ભગવાનના સ્વરૂપમાં મનની અખંડવૃતિ રાખવી તેથી કોઈ સાધન કઠણ નથી. અને જે મનુષ્યના મનની વૃતિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી, કાં જે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણિ તુલ્ય છે. જેમ ચિંતામણિ કોઈક પુરુષના હાથમાં હોય તે પુરુષ જે જે પદાર્થને ચિંતવે તે તે પ્રાપ્ત થાય છે, તેમ ભગવાનની મૂર્તિને વિષે જેના મનની અખંડ વૃતિ રહે છે તે તો જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાને ઈચ્છે તો તત્કાળ દેખે છે તથા વૈકુંઠ, ગોલોક, બ્રહ્મમહોલ એ આદિક જે જે ભગવાનનાં ધામ તેને પણ દેખે છે, માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃતિ રાખવી તેથી કોઈ કઠણ સાધન પણ નથી અને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી.”
ત્યારપછી હરિભકત શેઠ ગોવર્ધનભાઈએ શ્રીજીમહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછયું જે, “જેને ભગવાનની માયા કહે છે તેનું રૂપ શું છે?” પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, “ભગવાનનો ભકત હોય તેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતાં જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ.”
પછી મુકતાનંદસ્વામીએ પ્રશ્ન પૂછયું જે “ભગવાનનો ભકત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે તે કેવા દેહને પામે છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ”ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે અને જ્યારે દેહને મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે ત્યારે કોઈક તો ગરૂડ ઉપર બેસીને જાય છે અને કોઈક તો રથ ઉપર બેસીને જાય છે અને કોઈક તો વિમાન ઉપર બેસીને જાય છે. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે, તેને યોગસમાધિવાળા છે તે પ્રત્યક્ષ દેખે છે.”
પછી હરિભક્ત ઠક્કર હરજીએ શ્રીજીમહારાજને પૂછયું જે, “કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધીને વિષે ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એને ભગવાનનું માહાત્મ્ય સંપૂર્ણ જાણ્યામાં આવ્યું નથી. અને જે સાધુને સંગે કરીને ભગવાનનું માહાત્મ્ય પરિપૂર્ણ જાણ્યામાં આવે છે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી અને તે વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે, તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થાતિ નથી, કાં જે ‘અન્ય સ્થળ” ને વિષે જે પાપ કર્યા હોય તે સંતને સંગે કરીને જાય અને સંતને વિષે જે પાપ કરે છે તે પાપ તો એક સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધને કરીને ટળતા નથી. તે શાસ્ત્રમાં કહ્યું છે જે
“अन्यक्षेत्रे कृतं पापं तीर्थक्षेत्रे विनश्यति |
तीर्थक्षेत्रे कृतं पापं वज्रलेपो भविश्यति ||“
તે માટે સંતનો અવગુણ જો ન લે તો એને સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય.”
  
                                                          

                                                          



Tuesday, 25 April 2017

~: દાદા ખાચર :~

~: દાદા ખાચર :~


ગઢડામાં એભલ ખાચરની જમીનના બે ભાગીદારો હતા. એક દાદા ખાચર અને બીજા જીવા ખાચર. બન્ને સહજાનંદ સ્વામીના પરમ ભક્તો. છતાં સ્વામીજીને દાદા ખાચર પ્રત્યે વધુ લાગણી હતી. જીવા ખાચરને ઘણી વાર થતું કે હું પણ દાદા ખાચર જેવી જ ભક્તિ કરું છું તો સ્વામીજી આવો ભેદ કેમ કરતા હશે ?
એકવાર સ્વામીજી એ બન્ને સાથે ધર્મવાર્તાલાપ કરતા હતા ત્યાં એકાએક વંટોળ આવ્યો. તેઓ સત્સંગ કરતા હતા તેની સમીપમાં માર્ગ પર કોઇ સાધુ રસોઇ કરતો હતો પણ પવનને કારણે ચૂલાનો અગ્નિ વારંવાર ઓલવાઇ જતો અને ધૂમાડો થતો. અગ્નિને ફૂંકી ફૂંકીને સાધુની આંખો લાલચોળ થઇ ગઇ હતી અને આંખમાંથી પાણી વહી જતું હતું.
સહજાનંદ સ્વામીએ આ જોયું એટલે જીવા ખાચરને કહ્યું- 'તમે આ સાધુઓને માટે કોઇ ધર્મશાળા બનાવી આપોને ?' જીવા ખાચરે કહ્યું- 'આવા તો કેટલાય સાધુઓ- વૈરાગીઓ રસ્તા પર ફરતા રહેતા હોય છે. એમને માટે ધર્મશાળા બનાવવા હું કંઇ નવરો નથી.
કેટલાને માટે બનાવવી ?'
એ પછી સહજાનંદ સ્વામીએ દાદા ખાચરને કહ્યું- 'તમને શું લાગે છે ? તમારી આ સાધુઓને માટે ધર્મશાળા બનાવવાની ઇચ્છા ખરી ?' દાદા ખાચરે તરત જવાબ આપ્યો- 'મહારાજ, એમાં ધર્મશાળા બંધાવવાની ક્યાં જરૃર છે ?' સ્વામીજીએ પૂછયું- 'કેમ, જરૃર નથી ?' દાદા ખાચરે કહ્યું-'ધર્મશાળા બંધાવા જેટલો સમય વીતાવવાની ક્યાં જરૃર છે ? હું મારું ઘર જ એમને આપી દઉં છું !'
સહજાનંદ સ્વામીએ કહ્યું- 'તમારું ઘર આપી દેશો તો તમે ક્યાં રહેશો ?' દાદા ખાચરે કહ્યું- 'હું તમારા ભેગો રહીશ ! બટકું રોટલો તો મળી જ રહેશે !' સહજાનંદ સ્વામીએ જીવા ! ખાચર તરફ જોયું અને કહ્યું- 'જીવા ખાચર, હવે તમને સમજાયું ને કે હું દાદા ખાચર પ્રત્યે કેમ વધુ પ્રેમભાવ ધરાવું છું ?
જીવા ખાચરે માથું નમાવીને કહ્યું- 'ખરું છે, મારા કરતાં દાદા ખાચરની ભક્તિ ચાર વેંત ઊંચી છે !'
⊍ જય સ્વામિનારાયણ ⊍