amaz

Tuesday 14 March 2017

જય સ્વામિનારાયણ....





એકવખત યુધિષ્ઠીર સિવાયના ચાર પાંડવો ભગવાન શ્રીકૃષ્ણને મળવા માટે ગયા હતા. ચારે પાંડવોએ કળયુગમાં માણસ કેવી રીતે જીવતો હશે અને કળીયુગમાં કેવી સ્થિતી પ્રવર્તતી હશે એ જાણવાની ઇચ્છા બતાવી એટલે ભગવાન શ્રીકૃષ્ણએ ચારે દિશાઓમાં એક એક બાણ છોડ્યુ અને પછી ચારે ભાઇઓને એ બાણ શોધી લાવવા માટે આજ્ઞા કરી.
અર્જુન જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં એણે એક વિચિત્ર ઘટના જોઇ. એક કોયલ મધુર અવાજે ગીતો ગાતી હતી. અર્જુનના પગ થંભી ગયા એણે કોયલ તરફ જોયુ તો આશ્વર્યથી આંખો પહોળી થઇ ગઇ. મધુર કંઠે ગીતો ગાનારી કોયલ એક સસલાનું માંસ પણ ખાતી જતી હતી. સસલુ દર્દથી કણસતુ હતુ અને કોયલ ગીત ગાતા ગાતા એનું માંસ ખાતી હતી.
ભીમ જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં એને પણ એક કૌતુક જોયુ. એક જગ્યાએ પાંચ કુવાઓ હતા. ચાર કુવાઓ પાણીથી ઉભરાતા હતા. આ ચારે કુવાની બરોબર વચ્ચે પાંચમો કુવો હતો જે સાવ ખાલી હતો. ભીમને એ ન સમજાણું કે ચાર કુવાઓ ઉભરાય છે તો વચ્ચેનો પાંચમો કુવો સાવ ખાલી કેમ છે ?
નકુલ જે દિશામાં બાણ લેવા ગયો હતો ત્યાં તેણે એક ગાયને બચ્ચાને જન્મ આપતા જોઇ. બચ્ચાને જન્મ આપ્યા બાદ ગાય એને ચાટવા લાગી. થોડીવારમાં બચ્ચાના શરીર પરની ગંદકી સાફ થઇ ગઇ આમછતા પણ ગાયે ચાટવાનું ચાલુ જ રાખ્યુ. હવે તો નાના બચ્ચાની કોમળ ચામડીમાંથી લોહી નીકળવા લાગ્યુ તો પણ ગાયે ચાટવાનું ચાલુ જ રાખ્યુ.
સહદેવ જે દિશામાં બાણ લેવા ગયા ત્યાં એમણે પણ એક આશ્વર્યજનક ઘટના જોઇ. કોઇ મોટા પર્વત પરથી શીલા નીચે પડી રહી હતી. નીચે ગબડતી આ શીલા રસ્તામાં આવતા નાના-મોટા પથ્થરો અને વૃક્ષોને ધરાશયી કરતી તળેટી તરફ આગળ વધી રહી હતી પણ એક નાનો છોડ વચ્ચે આવ્યો અને શીલા અટકી ગઇ.
ચારે પાંડવોએ પરત આવીને એમણે જોયેલી ઘટનાની વાત ભગવાન શ્રીકૃષ્ણને કરી અને એનો મતલબ સમજાવવા વીનંતી કરી. ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યુ કે '"આ ચારે ઘટના કળયુગમાં કેવી સ્થિતી હશે તે બતાવે છે. સાધુઓ કોયલની જેમ મીઠા અવાજે વાતો કરશે અને સસલા જેવા ભોળા અનુયાયીઓનું દર્દ દુર કરવાના બહાને એનું શોષણ કરશે. ચાર કુવાઓ પાણીથી ઉભરાતા હતા છતા બાજુમાં જ રહેલા કોરા કુવાને એક ટીપુ પાણી આપતા નહોતા એમ કળીયુગમાં અમીરોને ત્યાં સંપતિની રેલમછેલ હશે પણ એ એક પૈસો પણ આજુબાજુની જરૂરીયાતમંદ વ્યક્તિઓને નહી આપે. ગાયે એના બચ્ચાને ચાટી ચાટીને ચામડી પણ ઉતરડી નાંખી તેમ કળયુગમાં મા-બાપ પોતાના સંતાનોને જરુરથી વધારે લાડલડાવીને માયકાંગલા કરી નાંખશે અને પોતાના જ સંતાનોને હાની પહોંચાડશે. પર્વત પરથી પડતી શીલાની જેમ કળીયુગમાં માણસનું ચારિત્ર્ય પણ સતત નીચે પડતું રહેશે. નીચે પડતા આ ચારીત્ર્યને બીજુ કોઇ નહી અટકાવી શકે પણ જો માત્ર પ્રભુના આશરા રૂપી કે સત્સંગ રૂપી નાનો છોડ હશે તો એનાથી ચારિત્ર્ય નીચે પડતું અટકી જશે."
ચારે પાંડવોને કળીયુગમાં કેવી સ્થિતી હશે તે બરોબર સમજાય ગયુ.

Thursday 9 March 2017

⊍ જય સ્વામિનારાયણ ⊍

 
 
જે ભગવાનનો મહિમા અતિશે જાણતો હોય તેને તો આવી રીતે સમજાય ત્યારે ધર્મમાં રહેવાય જે
મારે તો અખંડ ભગવાનનું ચિંતવન કરીને એકાંતિક ભક્ત થાવું છે અને જો કામ, ક્રોધ-લોભાદિક વિકારને વિષે મારી વૃત્તિ જાશે તો મારે ભગવાનના ચિંતવનમાં એટલો વિક્ષેપ થાશે એમ જાણીને કુમાર્ગ થકી અતિશે જ ડરતો રહે અને અધર્મને વિષે કોઈ કાળે પ્રવર્તે જ નહિ, એવી રીતે સમજે તો ભગવાનનું માહાત્મ્ય અતિશે સમજતો હોય તો પણ ધર્મમાંથી કોઈ કાળે પડે નહિ.
અને ભગવાનનું જે અખંડ ચિંતવન થાવું તે કાંઈ થોડી વાત નથી ને ભગવાનનું ચિંતવન કરતાં કરતાં જો દેહ મૂકે તો તે અતિ મોટી પદવીને પામે છે. ⊍ જય સ્વામિનારાયણ ⊍

Wednesday 8 March 2017

શ્રી સ્વામિનારાયણ ભગવાન નો સંક્ષેપ પરિચય – બાયોગ્રાફી:-

શ્રી સ્વામિનારાયણ ભગવાન નો સંક્ષેપ પરિચય – બાયોગ્રાફી:-

નામ : હરિ, કૃષ્ણ, હરિકૃષ્ણ, નીલકંઠ વર્ણિ, ઘનશ્યામ, નારાયણ મુનિ, સહજાનંદ સ્વામી, શ્રીજી મહારાજ, સ્વામિનારાયણ, વિગેરે
જન્મ : વિક્રમ સંવત ૧૮૩૭ ચૈત્ર સુદ ૯, સોમવાર, તારીખ : ૦૨-૦૪-૧૭૮૧
જન્મસ્થળ : ઉત્તર ભારત – કોશલ દેશ – અયોધ્યા નજીક – છપૈયા ગામ (મામાનું ઘર)
વર્ણ : સરવરિયા બ્રાહ્મણ (સરયુપારિણ)
વેદ : સામવેદ
શાખા : કૌથમી
પિતાનું નામ : દેવશર્મા (ઉર્ફે હરિપ્રસાદ પાંડે, ધર્મદેવ)(બાલશર્મા અને ભાગ્યવતીના પુત્ર)
પિતાની જન્મ તિથી : વિક્રમ સંવત ૧૭૯૬ કાર્તિક સુદ ૧૧
પિતાનું જન્મસ્થળ : ઇટાર ગામ
માતાનું નામ : બાલા (ઉર્ફે પ્રેમવતી, ભક્તિમાતા) (કૃષ્ણશર્મા અને ભવાની ના પુત્રી)
માતાની જન્મ તિથી : વિક્રમ સંવત ૧૭૯૮ કાર્તિક સુદ ૧૫
માતાનું જન્મસ્થળ : છપૈયા
ભાઈ-ભાભી: રામપ્રતાપજી (સુવાસિની ભાભી) ઈચ્છારામજી(વરિયાળીબાઈ)
ગૃહત્યાગ દિવસ : અયોધ્યાથી ૧૧વર્ષ ૩માસ ૧દિવસની અલ્પવયે વિક્રમ સંવત ૧૮૪૯ અષાઢ સુદ-૧૦ની વહેલી સવારે
વન વિચરણ સમય : ૭ વર્ષ, ૧ માસ અને ૧૧ દિવસ
વન વિચરણ પૂર્ણ : વિક્રમ સંવત ૧૮૫૬, શ્રાવણ વદ ૬, લોજ ગામ, ગુજરાત
લોજ પધાર્યા તે સમયની ઉંમર : ૧૮ વર્ષ, ૪ માસ અને ૧૨ દિવસ
ગુરુ : ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામી
દીક્ષા આપી : સદ્. શ્રી રામાનંદ સ્વામીએ
દીક્ષા સ્થળ : પીપલાણા, વિક્રમ સંવત ૧૮૫૭ કાર્તિક સુદ ૧૧
ઉદ્ધવ સંપ્રદાય(શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય) ની ધર્મધુરા સંભાળી : વિક્રમ સંવત ૧૮૫૮, કાર્તિક સુદ ૧૧, જેતપુર
સત્સંગમાં રહ્યા : ૩૦ વર્ષ, ૯ માસ અને ૧૯ દિવસ
સ્વધામ ગમન : વિક્રમ સંવત ૧૮૮૬, જેઠ સુદ ૧૦, ગઢપુર ધામ
પૃથ્વી પર રહ્યા : ૪૯ વર્ષ ૨ માસ અને ૧ દિવસ
પોતાની ધર્મધુરા બે ભાઈઓના શ્રેષ્ઠ પુત્રોને દત્તક લઈને સોંપી : વિક્રમ સંવત ૧૮૮૨, કાર્તિક સુદ ૧૧, વડતાલ ધામ
બંને આચાર્યોના નામ : આદિ આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ (નરનારાયણ દેવ દેશ ઉત્તર વિભાગ)
આદિ આચાર્યશ્રી રઘુવીરજી મહારાજ (લક્ષ્મીનારાયણ દેવ દેશ દક્ષિણ વિભાગ)