amaz

Monday 17 October 2016

ભગવાનના સાધુ એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી


પછી શ્રીજીમહારાજ સર્વે હરિભક્ત પ્રત્યે બોલ્યા જે,
“અમારા અંતરનો જે સિદ્ધાંત છે તે કહીએ છીએ જે, જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું તેને તો ભગવાન ને ભગવાનના સાધુ એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી................... માટે
----જેમ પોતાના શરીરને વિષે જીવને આત્મબુદ્ધિ વર્તે છે તેવી ભગવાન ને ભગવાનના સંતને વિષે આત્મબુદ્ધિ રાખી જોઈએ અને
----ભગવાનના ભક્તનો પક્ષ દ્રઢ કરીને રાખ્યો જોઈએ. અને તે પક્ષ રાખતાં થકાં આબરૂ વધો અથવા ઘટો, અથવા માન થાઓ કે અપમાન થાઓ, અથવા દેહ જીવો કે મરો, પણ કોઈ રીતે ભગવાન ને ભગવાનના ભક્તનો પક્ષ મૂકવો નહીં ને એમનો અભાવ આવવા દેવો નહીં.
----અને ભગવાનના ભક્ત જેવાં દેહ ને દેહનાં સગાંસંબંધીને વહાલાં રાખવાં નહીં. એવી રીતે જે હરિભક્ત વર્તે તેને અતિ બળવાન એવા જે કામ, ક્રોધાદિક શત્રુ તે પણ પરાભવ કરી શકતા નથી.

અને જે ભગવાનનું બ્રહ્મપુર ધામ છે તેને વિષે ભગવાન સદાય સાકારમૂર્તિ વિરાજમાન છે................ અને ભગવાનના ભક્ત પણ એ ભગવાનના ધામમાં મૂર્તિમાન થકા ભગવાનની સેવાને વિષે રહે છે. તે ભગવાનનો જેને પ્રત્યક્ષ પ્રમાણ દ્રઢ આશરો હોય તેને મનમાં એવી બીક ન રાખવી જે, ‘હું રખે મરીને ભૂતપ્રેત થઉં કે રખે ઇન્દ્રલોકને જ પામું કે રખે બ્રહ્મલોકને જ પામું !’ એવી આશંકા મનમાં રાખવી નહીં;........................... કેમ જે, જે એવો ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનના ધામને જ પામે પણ વચમાં ક્યાંય તેને ભગવાન રહેવા દે નહીં.
અને એ ભક્તજન હોય તેને પણ પોતાનું જે મન છે તેને પરમેશ્વરના ચરણારવિંદને વિષે દ્રઢ કરીને રાખવું........................ જેમ વજ્રની પૃથ્વી હોય તેમાં વજ્રની ખીલી ચોડી હોય તે કોઈ રીતે ઊખડે નહીં, તેમ ભગવાનનાં ચરણારવિંદને વિષે પોતાના મનને દ્રઢ રાખવું.................
..................... અને એવી રીતે જે ભગવાનનાં ચરણારવિંદને વિષે પોતાના મનને રાખે તેને મરીને ભગવાનના ધામમાં જવું એમ નથી, એ તો છતી દેહે જ ભગવાનના ધામને પામી રહ્યો છે.”

No comments:

Post a Comment