amaz

Thursday 6 October 2016

200 Swamini Vato { GUJARATI } :- Gunatitanand Swami


                                     Gunatitanand Swami

 ૧. ભગવાન થકી જ ભગવાન ઓળખાય છે. (૪/૭૧)

૨. આપણે તો અક્ષરધામમાં જાવું છે એવો એક સંકલ્પ રાખવો. (૧/૩૦૧)  

૩. આપણે ભગવાનના છીએ પણ માયાના નથી એમ માનવું. (૧/૨૩૦)

૪. ગામ ચાડિયામાં વાત કરી જે, 'ઘરમાં રહેવું તે મહેમાનની પેઠે રહેવું.' (૪/૬૨)

૫. શાસ્ત્ર છે તે કાર્ય છે ને મોટા છે તે કારણ છે. (૪/૧૦૨)

૬. ગામ માળિયામાં આ વાત કરી જે, 'આ તો ભગવાન છે, સાધુ કે વેરાગી નથી.' (૪/૬૫)

૭. ભગવાન ને ભગવાનના ભક્તની સેવા એ બેમાં જ માલ છે. (૫/૩૪૪)

૮. વચનામૃત કરતાં બીજામાં માલ મનાય છે એ મોહ જાણવો. (૪/૧૩૨)  

૯. પછી સ્વામી કહે, 'જેના અક્ષર ગુરુ હોય તે અક્ષરધામમાં લઈ જાય ને પુરુષોત્તમને મેળવે.' (૬/૨૬૪)

૧૦. જો થોડું જ જ્ઞાન હોય પણ સારધાર દેહપર્યંત રહે તો સારું. (૬/૨૭૬)

  ૧૧. કલ્યાણના માર્ગમાં વિઘ્ન કરનારાં ઘણાં, તેને ઓળખી રાખવાં. (૬/૨૭૮) 

૧૨. અમને તો એક જન્મ-મરણનો રોગ ટાળતાં આવડે છે, બીજું આવડતું નથી. (૧/૭૮)  

૧૩. અનેક પ્રકારના પાપી જીવ છે, તેને સમજાવવા એ જ ભગવાનનો પ્રતાપ છે. (૫/૩૪૨)

 ૧૪. સારા માણસને વર્તવામાં તો ફેર નથી પણ સમજવામાં ફેર રહે છે. (૫/૨૪૬) 

૧૫. દેહ પોતે નથી તે સાક્ષાત્ દેખાય છે ને દેહ મનાઈ ગયું છે એ અજ્ઞાન છે. (૨/૧૩૫)

૧૬. આ વાતું અનંત સંશયને છેદી નાખે એવી ભગવાન પુરુષોત્તમની વાતું છે. (૫/૧૭૬)

૧૭. મરનારાને શીદ રડો છો, રડનારાં નથી રહેવાનાં; તોપને મોઢે તુંબડાં, તે સર્વે ઊડી જાવાનાં. (૫/૩૩૭)

૧૮. દિવ્યભાવ ને મનુષ્યભાવ એક થઈ જાય ત્યારે ભગવાન ભજવાનું સુખ આવે. (૫/૧૦૦)

૧૯. આ સાધુનું તો દર્શન કર્યે પંચમહાપાપ બળી જાય; પણ પૂરું માહાત્મ્ય ક્યાં જાણ્યામાં આવ્યું છે ? (૬/૧૭૯)

૨૦. જેને જીવનું રૂડું કરવું હોય તે આ સાધુની પાસે આવીને વાતું સાંભળજો. (૪/૨૦)

  ૨૧. હમણાં જણાતું નથી, પણ આપણને ભગવાન મળ્યા છે માટે કૃતાર્થ થયા છીએ. (૪/૯)

૨૨. ભગવાન, સાધુ, શ્રદ્ધા ને સત્શાસ્ત્ર એ ચાર વાનાં હોય તો પ્રભુ ભજાય; એમાં શ્રદ્ધા નથી બાકી બધું છે. (૬/૨૫૬)

૨૩. ભગવાન જેવા આ સાધુ છે, પણ તેની પાસે રહેવાતું નથી, એ મોટી ખોટ છે. (૧/૨૮૯)

૨૪. અંતરમાં ભજન કરવા શીખવું, તેણે કરીને વિષયના રાગ ઓછા થાય છે. (૨/૩૦)

૨૫. આ બ્રહ્માંડના સર્વ જીવને ખવરાવવું તે કરતાં એક ભગવદીને જમાડવો એ અધિક છે. (૨/૧૧૬)

૨૬. ઝેરના લાડવા ખાતાં સારા લાગે પણ ઘડીક પછી ગળું ઝલાય, તેમ આ વે'વાર છે. (૫/૩૩૬)

૨૭. ભગવાનના સ્વરૂપની નિષ્ઠા થઈ તેને સાધન સર્વે થઈ રહ્યાં, બાકી કાંઈ કરવું રહ્યું નથી. (૧/૧૨૩)

૨૮. ભગવાન તો ત્રીસ વરસ સત્સંગમાં રહ્યા ને હવે સાધુરૂપે દસ-વીસ પેઢી રહેશે. (૧/૨૭૦)

૨૯. મોરે તો ભગવાનને મુમુક્ષુ ખોળતા ને આજ તો ભગવાન મુમુક્ષુને ખોળે છે. (૧/૧૪૨)

૩૦. મોક્ષને અર્થે તો ભગવાન ને સાધુ એ બે જ છે ને બીજાં સાધનનું ફળ તો ધર્મ, અર્થ ને કામ છે. (૧/૧૫૨) 

૩૧. આ સત્સંગ મળ્યો છે એ તો પરમ ચિંતામણિ મળી છે, તેમાં જીવ બહુ વૃદ્ધિને પામે છે. (૧/૧૬૬) 

૩૨. મહારાજ સ્વધામ પધારવાના હતા, ત્યારે મને એકાંતે મળ્યા, જેમ શ્રીકૃષ્ણ ને ઉદ્ધવજી એકાંતે મળ્યા હતા તેમ. (૫/૩૭૧)

૩૩. બે પ્રકારના સાધુ-સત્સંગી છે, તેમાં એક વિષય મળે તો રાજી થાય ને એક વિષય ટળે તો રાજી થાય. (૫/૩૭૮)

૩૪. ડાહ્યો હોય તેને વઢે ત્યારે રાજી થાય ને મૂર્ખ હોય તેને વખાણે ત્યારે રાજી થાય, એમ મહારાજ કહેતા. (૫/૩૮૮)

૩૫. કામ, ક્રોધ, માન, ઈર્ષા ને દેહાભિમાન એ સર્વે મૂકશે ત્યારે ભગવાન ને ભગવાનના સાધુ રાજી થાશે. (૬/૧૪)

૩૬. આપણને જે લાભ મળ્યો છે એ તો કાંઈ કહેવાય નહીં. માટે હવે તે જાળવી રાખવો. (૬/૧૭)

૩૭. એકથી પચાસ માળા સુધી જો એકાગ્ર દ્રષ્ટિ રાખે તો સુખે ધ્યાન થાય નીકર સંકલ્પ થયા કરે. (૬/૧૨૦)

૩૮. ભગવાન ને ભગવાનના સાધુ એ બે સામું જોવું ને એ જ જોયા જેવા છે, બીજામાં કાંઈ માલ નથી. (૧/૧૦૧)

૩૯. કેટલેક રૂપિયે આંખ્ય, કાન આદિક ઇન્દ્રિયું મળે નહિ તે ભગવાને આપ્યાં છે, પણ જીવ કેવળ કૃતઘ્ની છે. (૧/૧૨૦)

૪૦. કોટિ કલ્પે ભગવાનનું ધામ ન મળે, તે આવા સાધુને હાથ જોડે એટલામાં મળે છે. (૧/૧૨૧)

૪૧. કેટલાકને મન રમાડે છે ને કેટલાક મનને રમાડે છે. આ વાત નિત્યે વિચારવા જેવી છે. (૪/૧૧૯)

૪૨. શાસ્ત્રમાં કેટલાંક વચન તો સિદ્ધાંતરૂપ હોય ને કેટલાંક વચન તો કોઈ નિમિત્ત અર્થે હોય તે સમજી રાખવું. (૧/૬૫)

૪૩. સર્વે વાત સાધુ વતે છે, માટે તેને મુખ્ય રાખવા પણ સાધુ ગૌણ થાય ને જ્ઞાન પ્રધાન થઈ જાય એમ ન કરવું. (૧/૧૬૮)

૪૪. હવે તો મહારાજ સાધુ દ્વારે દર્શન આપે છે, ને વાતું કરે છે, ને વળી મૂર્તિ દ્વારે દર્શન આપે છે. (૧/૨૯૦)

૪૫. બાપના હૈયામાં સ્ત્રી છે તે છોકરાને પરણાવે છે ને સાધુના હૈયામાં ભગવાન છે તે જીવના હૈયામાં ઘાલે છે. (૨/૭૪)

૪૬. ખરેખરો જીવ સોંપીને તેનો થઈ રહે તો સિંહનો માલ શિયાળિયાં ખાઈ શકે નહીં. (૫/૩૨૩)

૪૭. મહાપૂજામાં બેસતી વખતે બોલ્યા જે, આ બેઠા તેના હાથમાં સર્વે છે ને બધુંય એમાં છે. (૫/૧૨૮)

૪૮. પોતાનું કલ્યાણ કરવામાં દ્રષ્ટિ બરાબર રાખવી ને બીજાનું કલ્યાણ તો લોંટોજોંટો કરવું. (૫/૨૫૭)

૪૯. આજ્ઞા ને ઉપાસના બે રાખજો. વૈરાગ્ય ને આત્મનિષ્ઠા તો કોઈકને ઝાઝી હશે ને કોઈકને થોડી હશે. (૫/૧૯૨) 

૫૦. વિષયને માર્ગે આંધળા થાવું, બહેરા થાવું, લૂલા થાવું એમ થાવું, પણ આસક્ત ન થાવું. (૨/૧૧૫)

 

૫૧. આ લોકમાં બે દુઃખ છે : તે અન્ન-વસ્ત્ર ન મળે કે ન પચે, ને તે વિનાનું દુઃખ તો અજ્ઞાનનું છે. (૨/૭૧)

૫૨. અમે તો કોટિ કલ્પ થયાં જોઈએ છીએ, પણ પચાસ કોટિ જોજન પૃથ્વીમાં આવા સાધુ નથી. (૧/૨૯૧)

૫૩. સત્સંગ થાય તેને તો દુઃખ રહે નહિ, તે સત્સંગ તે શું જે, આત્મા ને પરમાત્મા એ બે જ છે. (૧/૨૯૫)

૫૪. નિરંતર માળા ફેરવે તે કરતાં પણ સમજણ અધિક છે, માટે મુખ્ય એ વાત રાખવી. (૧/૨૯૬)

૫૫. આ વાતું તો જેના ભૂંડા આશય હશે તેને દબાવી દઈને પણ ઉપર નીકળે એવી છે. (૧/૩૦૨)

૫૬. અંતરમાં ટાઢું હોય ને કોઈક વચન મારે તો ભડકો થાય, તે સમાધાન કરવાનો ઉપાય જ્ઞાન છે. (૧/૩૧૩)

૫૭. આ જીવને માથે શાસ્તા વિના સ્વતંત્રપણે તો જીવ દેહનો જ કીડો થઈ રહે એવો છે. (૨/૪૩)

૫૮. કરોડ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારવો ને કદાપિ કરોડ કામ સુધાર્યાં ને એક મોક્ષ બગાડ્યો તો તેમાં શું કર્યું ? (૧/૧૪)

૫૯. નિરંતર સર્વ ક્રિયામાં પાછું વાળીને જોવું જે, મારે ભગવાન ભજવા છે ને હું શું કરું છું ? એમ જોયા કરવું. (૨/૩૫)

૬૦. પોતપોતાનો દેહ સારો લાગે, ગામ સારું લાગે, દેશ સારો લાગે, એ તો દૈવની માયાનું બળ છે. (૫/૩૨૦) 

૬૧. ઉપાસના, આજ્ઞા ને સાધુ ઓળખવા; એ ત્રણ વાનાં અવશ્ય જોઈએ. આજ્ઞામાં ધર્મ, નિયમ, વ્રત, દાન, તપ સર્વે આવી જાય. (૫/૩૩૦)

૬૨. કોટિ કોટિ સાધન કરે પણ આમ વાર્તા કરવી તેની બરાબર થાય નહીં ને બીજાથી તો આટલી પ્રવૃત્તિમાં વાતું થાય નહીં. (૫/૩૩૯)

૬૩. દુઃખ કોઈ માનશો નહિ ને જે જોઈએ તે આપણને મળ્યું છે, ને ઝાઝા રૂપિયા આપે તો પ્રભુ ભજાય નહીં, તે સારુ આપતા નથી. (૧/૧૨૯)

૬૪. મુમુક્ષુ જીવને જ્ઞાન પણ થાય ને હેત પણ થાય ખરું, પણ સત્સંગમાં કુસંગ છે તે એનું ભૂંડું કરી નાખે છે, માટે તે ઓળખવો. (૫/૩૪૫)

૬૫. ભગવાનના ભક્ત થયા છે ને પંચવર્તમાન પાળે છે તે તો પ્રકૃતિપુરુષથી પર જઈને બેઠા છે. (૫/૧૧૩)

૬૬. મન, ઇન્દ્રિયુંને વગર પ્રયોજને ચાળા ચૂંથવાનો સ્વભાવ છે, માટે તેને જાણીને જુદા પડવું. (૫/૫૧)

૬૭. ભક્તિમાં સ્વભાવ વધે ને ધ્યાનમાં દેહાભિમાન વધે, એ બે ગુણમાં બે દોષ જાણવા ને તે ટાળવા. (૨/૧૭૫)

૬૮. ગુરુ મળ્યા પછી શિષ્યને ગર્ભવાસ વગેરે દુઃખનો ત્રાસ મટ્યો નથી તો તે ગુરુ જ નથી. (૫/૪૪) 

૬૯. પડછાયાને પુગાય નહીં તેમ વિષયનો પાર આવે તેમ નથી. માટે જ્ઞાન થાય ત્યારે સુખ થાય છે. (૫/૧૯૦)

૭૦. જેટલું કાંઈ માયામય સુખ છે તે સર્વે દુઃખ વિનાનું હોય નહિ, એ વાત પણ એક જાણી રાખવી. (૧/૨૫)

૭૧. એક જણે લાખ રૂપિયાની બુદ્ધિ લીધી, તેમ જ મોક્ષની બુદ્ધિ પણ અનેક પ્રકારની મોટા થકી શિખાય છે. (૧/૨૭)

૭૨. ભગવાન મળ્યા, સાધુ મળ્યા, તે હવે હૈયામાં દુઃખ આવવા દેવું નહિ ને પ્રારબ્ધનું આવે તો ભોગવી લેવું. (૧/૧૭૬)

૭૩. વિષયનો સંબંધ થયા મોર્ય તો બકરાની પેઠે બીવું ને તે સંબંધ થઈ જાય તો ત્યાં સિંહ થાવું. (૨/૧૧૩)

૭૪. જો મોટાપુરુષ મળે તો તેનો સંગ કરવો, નીકર ઊતરતાનો સંગ તો કરવો જ નહિ. (૧/૨૩૮)

૭૫. ભગવાન મળ્યા, સાધુ મળ્યા, તે કલ્યાણ તો થાશે પણ જ્ઞાન વિના અંતરમાં સુખ ન થાય. (૧/૨૪૦) 

૭૬. આપણા દેહનાં પૂર્વનાં હાડકાં આપણી આગળ પડ્યાં હોય, પણ તેની આપણને ખબર ન પડે. (૨/૧૪૪)

૭૭. મહારાજે કહ્યું હતું જે, આપત્કાળ આવે તો લીલા ખડને દંડવત્ કરજો, તેમાં રહીને પણ હું સહાય કરીશ. (૨/૧૫૩)

૭૮. પાંચ વાતે સાનુકૂળ હોય ત્યારે પ્રભુ ભજાય; તે સંગ, શાસ્ત્ર, શ્રદ્ધા, રૂડો દેશ ને રૂડો કાળ. (૨/૧૫૬) 

૭૯. સત્ય, હિત ને પ્રિય એવું વચન બોલવું ને ઉપેક્ષારહિત બોલવું પણ આગ્રહથી વચન કહેવું નહીં. (૫/૧૬૩)

૮૦. ભગવાન ને સાધુ બે જ રાખવા એટલે તે ઘરેણું રાખી રૂપિયા આપ્યા બરાબર છે; માટે બે રાખી વે'વાર કરવો. (૫/૧૯૯)

૮૧. જેમ છે તેમ કહીએ તો તરત મનાય નહીં, માટે મનને વળગાડી મૂકવું, એટલે ધીરે ધીરે બળ પામશે તેમ સમજાશે. (૫/૩૨૬)

૮૨. આ વાતુંના કરનારા દુર્લભ છે, મનુષ્ય દેહ દુર્લભ છે ને દેહે સાજું રહેવું તે પણ દુર્લભ છે. એ ત્રણ વાત દુર્લભ છે; તે માટે ભજન કરી લેજો. (૧/૨૪૬)

૮૩. આપણે તો છેલ્લો જન્મ થઈ રહ્યો છે. તે છેલ્લો જન્મ તે શું જે, પ્રકૃતિના કાર્યમાં મને કરીને માલ ન માનવો એ જ છેલ્લો જન્મ છે. (૧/૧૭૪)

૮૪. શહેરનું સેવન, ભંડાર, કોઠાર, રૂપિયા, અધિકાર એ આદિ જીવને બગાડવાના હેતુ છે. (૪/૧૧૧)

૮૫. ઐશ્વર્ય તો દૈત્યમાં પણ છે, પૃથ્વીનું ટીપણું વાળીને લઈ ગયો. માટે એમાં માલ ન માનવો. (૪/૧૧૩)

૮૬. ભગવાનનું સુખ નથી આવતું તેનું શું કારણ છે ? ત્યારે બોલ્યા જે, 'એને વિષય અધ્ધર રાખી મૂકે છે.' (૪/૧૨૧)

૮૭. ભગવાન મળવા કઠણ છે, તેમ જ આ સાધુ મળવા કઠણ છે, તેમ વિષય મૂકવા પણ કઠણ છે. (૪/૧૨૨) 

૮૮. હરેક વાતમાં, બોલવામાં, ક્રિયામાં સૂઝી આવે, તે મહારાજની પ્રેરણા એમ સમજવું. (૪/૧૨૫)

૮૯. ભગવાન તથા એકાંતિકનો સંગ એટલો જ સત્સંગ ને બીજો તો અરધો સત્સંગ કહેવાય. (૫/૪)

૯૦. ઝાઝા શબ્દ સાંભળે તો અંગ તૂટી જાય ને બુદ્ધિમાં ભ્રમ થાય, માટે બહુ શબ્દ સાંભળવા નહિ. (૫/૧૬)

૯૧. જેનો સમાગમ મળવાની પ્રાર્થના કરે છે તેનો સમાગમ ભગવાને આપણને હાથોહાથ આપ્યો છે. (૫/૩૦)

૯૨. આ સાધુને વિષે જેને જેટલો ગુણ તેટલી સદ્‍વાસના, ને અવગુણ તેટલી અસદ્‍વાસના છે, એમ સમજવું. (૫/૨૮૯)

૯૩. એક ઉપાસના, બીજી આજ્ઞા, ત્રીજો સમાગમ ને ચોથું સત્શાસ્ત્રનું વ્યસન, એ ચાર દ્રઢ કરીને રાખવાં. (૪/૨૧)

૯૪. ભગવાનને રોટલા દેવા હશે તો આકાશમાંથી દેશે, નહિ દેવા હોય તો ઘરમાંથી પણ બળી જાશે. (૪/૧૨૮)

૯૫. નિરંતર મંદિરનું કામ કર્યા કરે તો પણ જ્ઞાન વૃદ્ધિ પામે નહીં ને જ્ઞાન તો સાધુસમાગમથી જ થાય. (૧/૫૩)

૯૬. સાધન કરી કરીને મરી જાય તો પણ વાસના ટળે નહિ. એ તો મોટા અનુગ્રહ કરે ત્યારે જ ટળે છે. (૧/૭૦)

૯૭. પાંચ-દસ વાર સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નામ જાણ્યે અજાણ્યે લેશે તેનું પણ આપણે કલ્યાણ કરવું પડશે ને આખા બ્રહ્માંડને સત્સંગ કરાવવો છે. (૧/૨૪)

૯૮. વિષયનું જે સુખ છે તે કરતાં આત્માનું સુખ બહુ અધિક છે ને તે કરતાં ભગવાનનું સુખ એ તો ચિંતામણિ છે. (૧/૨૬)

૯૯. ગાફલાઈ ટળવાનું કારણ એ છે જે, ખટકો રાખે તો ટળે ને બીજો ઉપાય તે કોઈક શિક્ષા કરે ત્યારે ટળે. (૧/૯૩)

૧૦૦. જીવને ચોંટવાનાં ઠેકાણાં બે જ છે, તે ભગવાનમાં ચોંટે નીકર માયામાં ચોંટે. પણ આધાર વિના કેમ રહેવાય ? (૧/૯૧)

 

૧૦૧. વ્યાવહારિક માણસની ને સત્સંગીની ક્રિયા સરખી છે, પણ સત્સંગી ભગવાનના કહેવાણા તેથી મોક્ષ થાય છે. (૫/૭૭)

૧૦૨. જેને ભગવાન ભજવા હોય તેનાથી બધાયની મરજી રાખી શકાય નહીં, તેનાથી તો ભગવાનની મરજી સચવાય. (૫/૫૯)

૧૦૩. પાંચ ગુણે યુક્ત એવા સંત ન મળે તો એક એક ગુણ શીખવો ને પાંચે ગુણ એકને વિષે હોય એવા સંત મળે એટલે પૂરણ થયું. (૫/૨૦૦)

૧૦૪. કોઈ ભગવાન સંભારે તેની સેવા મારે કરાવવી, તેનાં લૂગડાં મારે ધોવરાવવાં ને તેને મારે બેઠાં બેઠાં ખાવા દેવું છે. (૧/૨૭૬)

૧૦૫. સેવા તો પોતાની શ્રદ્ધા પ્રમાણે થાય તે કરવી, પણ અસેવા તો ન જ કરવી. તે અસેવા તે શું જે, અવગુણ લેવો. (૨/૧૩૨)

૧૦૬. મંદવાડ આવે તેમાં જે કાયર થઈ જાય તેણે કરીને દુઃખ તો મટે નહિ ને તેમાં જે હિંમત રાખતા તે મહારાજને ગમતું. (૨/૫૨)

૧૦૭. 'વાંદરું વૈકુંઠમાં રહે નહિ' એમ કહે છે, તે સારુ આપણે ભગવાન પાસે રહેવાય એવા સ્વભાવ કરવા; તે આંહીં કરવા કાં શ્વેતદ્વીપમાં જઈને કરવા (૧/૮૯)

૧૦૮. વિષય લોપી નાખતા હોય તેને મોટાને રાજી કર્યાનો શો ઉપાય ? પ્રશ્નનો ઉત્તર એ જે, મોટાની અનુવૃત્તિ ને તે જે કહે તે કરવું એ જ છે. (૧/૧૧૦)

૧૦૯. જો માર માર કરતો કોઈ આવતો હોય તો એમ સમજવું જે, 'મારા સ્વામીનું જ કર્યું સર્વે થાય છે, પણ તે વિના કોઈનું હલાવ્યું પાનડું પણ હલતું નથી.' (૧/૮૮)

૧૧૦. બદરિકાશ્રમ ને શ્વેતદ્વીપના મુક્તને ત્યાગ-વૈરાગ્યનું બળ છે, ને ગોલોકના ને વૈકુંઠના મુક્તને પ્રેમ મુખ્ય છે, ને અક્ષરધામના મુક્ત બ્રહ્મરૂપ છે. (૧/૪૮)

૧૧૧. આવા ને આવા અક્ષરધામમાંથી આવ્યા છે, એવો પરભાવ અખંડ જણાય તો અહો ! અહો ! સરખું રહે; પણ જેવા સાધુ છે એવા ઓળખાતા નથી. (૧/૨૨૨)  

૧૧૨. જીવનો મોક્ષ કરવા મનુષ્ય જેવા થયા છીએ. ને તમારે પ્રારબ્ધ તો ભોગવવું પડશે ને સંગ એવો રંગ લાગશે. (૫/૬૫)

૧૧૩. ગામ ઓળિયામાં વાત કરી જે, 'આ સાધુ ઓળખાણા એ મોટી વાત છે, આ સાધુ ઓળખાય તેવા નથી, આ તો પરદેશી સાધુ છે, ને ઓળખાણા એ તો આશ્ચર્ય જેવું છે.' (૪/૭૦)

૧૧૪. આવા સાધુ ખાસડાં મારે તો પણ અક્ષરધામમાં લઈ જાય ને બીજા મશરૂના ગાદલામાં સુવાડી મૂકે તો પણ નર્કમાં નાખે એમ સમજવું. (૧/૫૭)

૧૧૫. ભગવાન જીવના ગુના સામું જોતા નથી. તે કોઈ જીવ ભગવાનની સ્તુતિ કરીને એમ બોલે જે, 'હું ગુનેગાર છું.' તો તેના ગુના ભગવાન માફ કરે છે. (૧/૭૭)

૧૧૬. દેહ, ઇન્દ્રિયું માયિક છે ને પદાર્થ પણ માયિક છે, તેથી સજાતિપણું થયું; તે તેમાં ચોંટે, પૂર્વનો સંસ્કાર હોય તે ન ચોંટે. (૫/૪૯)

૧૧૭. અક્ષરધામના જેવું સુખ આંહીં વર્તે છે, તેમાં પણ કેટલાક દુખિયા છે. તેમાં દેહનું દુઃખ થોડું ને મનનું દુઃખ ઝાઝું છે. (૧/૯૯)

૧૧૮. સત્ત્વગુણમાં એમ વિચાર કરવો જે, આ સાધુથી જ મારો મોક્ષ થાય તેમ છે માટે ગમે તેટલું દુઃખ થાય તો પણ તેનો સંગ મૂકવો નહિ. (૫/૧૧૬)

૧૧૯. મોટા સાધુનો અવગુણ નહિ હોય ને કાંઈ દોષ હશે તો તેની ભગવાનને ફિકર છે, પણ મોટા સાધુનો અવગુણ હશે તેનું તો પાપ વજ્રલેપ થાશે. (૪/૮૫)

૧૨૦. મોટા સાથે જીવ જોડે ત્યારે દોષ ટળી જાય છે ને તેના ગુણ આવે છે, તેમાં દ્રષ્ટાંત જેમ કાચને સૂર્ય સામો રાખે છે તેમાંથી દેવતા થાય છે. (૪/૧૦૭)

૧૨૧. ચિંતામણિ કાંઈ રૂપાળી ન હોય, તેમ ભગવાન ને સાધુ પણ મનુષ્ય જેવા જ હોય પણ એ દિવ્ય છે ને કલ્યાણકારી છે. ને મનુષ્યનું દેહ ચિંતામણિ છે. (૧/૮૭)

૧૨૨. બાજરો ખાવો ને પ્રભુ ભજવા, બીજું કાંઈ કરવું નથી ને રોટલા તો ભગવાનને દેવા છે, સાધુને દેવા છે, તે દેશે, દેશે ને દેશે. (૧/૧૨૬)

૧૨૩. આ વાતું તો જાદુ છે તે સાંભળે તે ગાંડો થાય. તે ગાંડો તે શું જે, જગત ખોટું થઈ જાય, પછી તેને ડાહ્યો કોણ કહે ? (૧/૧૩૬)

૧૨૪. એક જણ એક મંદિરમાં પાંચસેં રૂપિયા મૂકીને ચાલ્યા ગયા પણ એટલા રૂપિયા બેઠાં બેઠાં ખાઈને સાધુનો સમાગમ કર્યો હોત તો બહુ સમાસ થાત. (૨/૨૫)  

૧૨૫. પૂર્વનો સંસ્કાર હોય પણ ઊતરતો સંગ મળે તો સંસ્કાર ટળી જાય ને સો જન્મે સારો થવાનો હોય તેને રૂડો સંગ મળે તો તરત સારો થઈ જાય. (૫/૩૯)

૧૨૬. આપણામાં ક્રિયાએ કરીને કે પદાર્થે કરીને કે હવેલિયુંએ કરીને મોટપ ન સમજવી ને આપણામાં તો ધર્માદિકે કરીને મોટપ છે. (૨/૧૪૨)  

૧૨૭. આપણે જાણીએ છીએ જે, આપણને ભગવાનમાં હેત છે પણ આપણા કરતાં તો આપણા ઉપર ભગવાનને ને સાધુને ઝાઝું હેત છે. (૧/૧૯૬) 

૧૨૮. મોટાનો મત એ છે જે, અનેક પ્રકારે દેહદમન કરવું અને ટાઢ, તડકો, ભૂખ, તરસ તેનું સહન કરવું પણ કેવળ દેહનું જતન તો કરવું નહિ. (૧/૬૭)

૧૨૯. ભગવાન અને મોટા સાધુને આશરે કરીને તો વાદળ જેવાં દુઃખ આવવાનાં હોય તે પણ ટળી જાય ને સાધને કરીને તો કૂટી કૂટીને મરી જાય તો પણ ન ટળે. (૧/૧૧૪)

૧૩૦. આ જીવ બધાય સારા છે, પણ અખંડ ચિંતવન નથી થાતું તેનું કારણ એ છે જે, અભ્યાસ કર્યો નથી, પણ અભ્યાસે થાય. (૫/૩૫)

૧૩૧. સત્સંગ શબ્દનો અર્થ મોટા સાધુનો સંગ એ સત્સંગ અને જેણે મોટા સાધુને વશ કર્યા તેને ભગવાન વશ થઈ રહ્યા. (૪/૧૬)

૧૩૨. મોટાને સેવ્યા હોય ને તેના ગુણ આવ્યા હોય તેને દેશકાળ ન લાગે, તે કેની પેઠે ? તો જેમ સૂર્યની આગળ અંધારું ભેળું થઈને જાય, પણ ત્યાં રહેવા પામે નહિ. (૧/૬)

૧૩૩. ભગવાનમાં ને સાધુમાં હેત રહેશે તો તેના ઉપર સૌ હેત કરશે ને એથી પ્રતિકૂળ રહેશે તેને તો સૌ પ્રતિકૂળ થાશે, એ વાત સમજી રાખવી, એમાં તો કાંઈ સંશય નથી. (૧/૧૨૮)

૧૩૪. નિરંજનાનંદ સ્વામી પાસે બેસે તો અંતર ટાઢું થઈ જાય, તેમ એવા મોટા સાધુ પાસે બેસે તો સુખ આવે. તે કેને સુખ આવે ? તે જેને તેમાં હેત હોય તેને આવે. (૧/૬૮)

૧૩૫. કોટિ જન્મે કસર ટળવાની હોય તે આજ ટળી જાય ને બ્રહ્મરૂપ કરી મૂકે, જો ખરેખરા સાધુ મળે ને તે કહે તેમ કરે તો. (૧/૧૧૯)

૧૩૬ સત્સંગ, એકાંતિકપણું ને ભગવાનની મૂર્તિ એ ત્રણ વાનાં દુર્લભ છે, તે આપણને મળ્યાં છે, માટે ગરીબ થઈને બીજાને માન આપીને સાચવી રાખવાં (૫/૮૩)

૧૩૭. જેમ જેમ વાત સાંભળે તેમ તેમ અંતઃકરણ શુદ્ધ થાય છે, ને જેમ જેમ અંતઃકરણ શુદ્ધ થાય તેમ તેમ વાત સમજાય ને સુખ પણ થાય. (૨/૧૦૮)

૧૩૮. કોટિ તપ કરીને, કોટિ જપ કરીને, કોટી વ્રત કરીને, કોટિ દાન કરીને ને કોટિ યજ્ઞ કરીને પણ જે ભગવાનને ને સાધુને પામવા હતા તે આજ આપણને મળ્યા છે. (૧/૨૯૪)

૧૩૯. શુદ્ધ થાવાને તપ ને અનુવૃત્તિ બે સાધન છે. તેમાં અનુવૃત્તિ છે તે અધિક છે; તે કરતાં આત્મા ને પરમાત્મા બે જ રાખવા છે. (૫/૩૦૭)

૧૪૦. આ લોકમાં દેશકાળ તો લાગે ને ઓછું વર્તાય કે વધુ વર્તાય પણ રુચિ સારી રાખવી, અંતે રુચિ સહાય કરે છે. (૧/૨૫૪)

૧૪૧. લાભનો પાર નથી ને આમાંથી ધક્કો લાગે તો ખોટનો પણ પાર નથી. બહુ જ મોટો લાભ થયો છે, માટે કહેવાય તેવો નથી. (૪/૪૩)

૧૪૨. સત્સંગમાં અનેક વાતું સમજવાની છે; તેમાં મુખ્ય ઉપાસના, બાકી ધર્મ રાખવો ને વચનામૃત આદિક શાસ્ત્રનો અભ્યાસ રાખવો. (૨/૧૬૪)

૧૪૩. જ્યાંથી અચાનક ઉચાળા ભરવા તે ઠેકાણે ઉદ્યમ કરે છે ને જ્યાંથી કોટિ કલ્પે પણ ઉચાળા ન ભરવા તેને અર્થે ઉદ્યમ નહિ ! એ જ અજ્ઞાન છે. (૨/૧૦૦)  

૧૪૪. મુમુક્ષુને તો નિરંતર હોંકારા કરનારા જોઈએ. તે હોય તો પ્રભુ ભજાય, નીકર તો જેમ વાડામાંથી વાઘ બકરું ઉપાડી જાય એમ થાય. (૨/૩૭)

૧૪૫. સર્વ કરતાં ભજન કરવું તે અધિક છે ને તે કરતાં સ્મૃતિ રાખવી તે અધિક છે ને તે કરતાં ધ્યાન કરવું તે અધિક છે ને તે કરતાં પોતાના આત્માને વિષે ભગવાનને ધારવા તે અધિક છે. (૧/૨૦૦)

૧૪૬. ભગવાનને નિર્દોષ સમજ્યાથી મોક્ષ થઈ રહ્યો છે. ને દોષ ટાળવાનો અભ્યાસ કરે તો ટળી જાય, નીકર દેહ રહે ત્યાં સુધી દુઃખ રહે, ને દોષ જણાય છે તે સર્વે તત્ત્વના દોષ છે. (૧/૨૩૨)

૧૪૭. જેવા શબ્દ સાંભળે તેવો જીવ થઈ જાય છે. માટે બળિયા ભગવાનના ભક્ત હોય તેના શબ્દ સાંભળીએ તો જીવમાં બળ આવે, પણ નપુંસકને સંગે બળ પમાય નહિ. (૧/૧૭૭)  

૧૪૮. રૂપવાન સ્ત્રી, ઝાઝું દ્રવ્ય ને સારી મેડી મળી તે સત્સંગીને પણ માયાનું બંધન થયું. કેમ જે, એમાંથી જીવ નીકળે નહિ. માટે એ તો જેવું તેવું સાધારણ મળે તે સારું છે. (૧/૧૧)

૧૪૯. મહારાજે અમને વર આપ્યો છે જે, હજાર જન્મે કરીને કામ કરવાનું હશે તે તમારું કામ એક જન્મે કરીને કરી આપશું. (૪/૩)

૧૫૦. શરદઋતુમાં આકાશ નિર્મળ જોઈને બોલ્યા જે, 'આવું અંતઃકરણ થાય ત્યારે જીવ સુખિયો થાય, તેમ સત્સંગ કરતાં કરતાં થાય છે.' (૧/૬૬)

 ૧૫૧. ભગવાન મળ્યા પછી કરવાનું એ છે જે, જાણપણારૂપ દરવાજે રહેવું તથા સંગ ઓળખવો તથા હઠ, માન ને ઈર્ષ્યા ન રાખવી. (૫/૧)

૧૫૨. મનને ધાર્યે ભજન-ભક્તિ વગેરે કરે છે તેમાં અંતરે શાંતિ નહિ, પણ ભગવાન ને સાધુના કહ્યા પ્રમાણે કરે તો શાંતિ થાય છે. (૫/૪૫)

૧૫૩. ભગવાનની ઉપાસનાનું બળ હોય તેને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ એમ સમજે જે, દેહ તો પડી જાશે ને આપણે ભગવાનના ધામમાં જાશું; એમ સમજીને સુખિયો રહે. (૧/૫૬)

૧૫૪. વાછડાને દૂધનો સ્વાદ છે અને ઈંતડીને લોહીનો સ્વાદ છે, તેમ ખાવા-પીવાનું સુખ ને માન-મોટાઈનું સુખ તે લોહી જેવું છે ને નિજાત્માનં બ્રહ્મરૂપં એ સુખ દૂધ જેવું છે. (૧/૫૫)

૧૫૫. વિષયનો તિરસ્કાર તો અક્ષરધામમાં છે, ને શ્વેતદ્વીપમાં છે, ને બદરિકાશ્રમમાં ને આ લોકમાં મોટા એકાંતિક પાસે છે. એ ચાર ઠેકાણાં વિના બાકી સર્વે ઠેકાણે વિષયનો આદર છે. (૧/૪૬)

૧૫૬. પ્રેમીનું હેત તો ટાંકાના પાણી જેવું છે અને જ્ઞાનીનું હેત તો પાતાળના પાણી જેવું છે; ને પ્રેમીનું તો ભગવાન તથા સાધુને રાખવું પડે, પણ જ્ઞાનીનું રાખવું પડે નહિ. (૧/૪૧)

૧૫૭. આવા સાધુને મનમાં સંભારીએ તો મનનાં પાપ બળી જાય ને વાતું સાંભળીએ તો કાનનાં પાપ બળી જાય ને દર્શન કરીએ તો આંખનાં પાપ બળી જાય, એમ મહિમા જાણવો. (૧/૩૦)

૧૫૮. બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ કહેવાય, વાણિયાનો દીકરો વાણિયો કહેવાય તેમ આપણે પુરુષોત્તમની ઉપાસનાનો દેહ બંધાણો તે અક્ષરરૂપ થયા છીએ માટે પોતાનું સ્વરૂપ અક્ષર માનવું. (૫/૧૨૯)

૧૫૯. જેમ ગાય વાછરું સારુ પારસો મૂકે છે, તેમ જે શિષ્ય હોય તે ગુરુને મન સોંપે તો અંતઃકરણનું અજ્ઞાન ટાળી નાખે, પણ તે વિના તો ટળે નહિ. (૨/૪)

૧૬૦. મોટાને વિષે મનુષ્યભાવ નથી રહ્યો તે કેમ તપાસ કરવો ? એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે, 'એની કોઈ ક્રિયામાં દોષ ન આવે એ જ દિવ્યભાવ છે.' (૧/૧૦૨)

૧૬૧. શાસ્ત્રમાં ભારે ભારે પ્રાયશ્ચિત્ત કહ્યાં છે તે સર્વે આવા સાધુનાં સમાગમ ને દર્શને કરીને નિવૃત્ત થઈ જાય છે, એવું આ દર્શન છે. (૧/૫૪)

૧૬૨. આ લોકમાં ડાહ્યો તો કોઈ પ્રભુ ભજતો નથી ને જે ગાંડો થાય તે ભજે છે. (૧/૧૨૫)

૧૬૩. એક રુચિવાળા બે જ હોઈએ તો હજારો ને લાખો છીએ ને તે વિના તો હજારો ને લાખો હોઈએ તો પણ એકલા જ છીએ એમ સમજવું. (૧/૩૩૪)

૧૬૪. મૂંઝવણ આવે તો કેમ કરવું ? એ પ્રશ્ન પૂછ્યો, તેનો ઉત્તર કર્યો જે, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ભજન કરવું તેથી મૂંઝવણ ટળી જાય. (૧/૨૭૨)

૧૬૫. જ્ઞાન થયું તે કેનું નામ જે, શાસ્ત્ર સાંભળીને તથા કોઈની વાતે કરીને તથા સંગે કરીને ફરી જવાય નહીં તે પાકું જ્ઞાન કહેવાય. (૫/૨૭૮)

૧૬૬. અર્ધોઅર્ધ કથાવાર્તાનો જોગ રાખશે તેનું જ સારું રહેશે અને આ તો મોટાં કારખાનાં થયાં તે કાંઈ ખૂટે એમ તો છે નહિ. (૨/૫૧)

૧૬૭. સૌ કોઈ કોઈક આધાર વડે સુખી રહે છે, પણ ભગવાન ને આત્મા એ બે વતે સુખી થાવું, બાકી અનેક પ્રકારના આધાર મૂકી દેવા. (૨/૮૭)

૧૬૮. લાખનો ત્યાગ કરીને એકને રાખવા. ને મહારાજ પણ એમ કહેતા જે, 'પાંડવોએ સર્વેનો ત્યાગ કરીને એક શ્રીકૃષ્ણને રાખ્યા,' એમ છે તે જાણવું. (૨/૯૨)  

૧૬૯. મોટાઈ તો મહારાજને પુરુષોત્તમ જાણે ને આજ્ઞા પાળે તેની છે. પ્રગટ હોય ત્યારે સર્વે આજ્ઞા પાળે પણ છેટે ગયા પછી પછવાડેથી આજ્ઞા બરાબર પાળે તે ખરા. (૫/૧૩૬)

૧૭૦. ત્રણ જણ સુખિયા : એક તો મોટા સાધુ કહે તેમ કરે તે, તથા મનનું કહ્યું ન માને તે જ્ઞાની, તથા કાંઈ જોઈએ નહીં તે, આશા હિ પરમં દુઃખં નૈરાશ્યં પરમં સુખમ્ - એ ત્રણ સુખિયા છે. (૫/૨૦૨)  

૧૭૧. હરિભક્ત આગળ વાતું કરવાની આજ્ઞા કરી કે વાતું કરજો; તે વાતું તે શું જે, 'સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે.' એમ વાતું કરજો. (૧/૨૬૯)

૧૭૨. પાપીનો વાયરો આવે તો સાઠ હજાર વરસનું પુણ્ય જાતું રહે ને આ સાધુનો વાયરો આવે તો સાઠ હજાર વરસનું પાપ બળી જાય ને પુણ્ય થાય. (૪/૫૦)

૧૭૩. જીવ તો બહુ બળિયો છે. તે સાવજના દેહમાં આવે ત્યારે કેવું બળ હોય ? એનો એ જીવ જ્યારે બકરાના દેહમાં આવે ત્યારે ગરીબ થઈ જાય છે. (૧/૧૮)

૧૭૪. અલભ્ય લાભ મળ્યો છે અને આત્યંતિક મુક્તિને પામ્યા છીએ અને આજ તો સત્સંગની ભરજુવાની છે ને આજ તો શેરડીના સાંઠાનો વચલો ભાગ આપણને મળ્યો છે. તેમાં રસ ઘણો ને સુગમ પણ છે. (૧/૧૬૩)  

૧૭૫. કેટલીક કસર ત્યાગ-વૈરાગ્યથી ટળશે ને કેટલીક કસર જ્ઞાને કરીને ટળશે ને કેટલીક કસર ભક્તિ કરાવીને ટળાવશું ને બાકી છેલ્લી વારે રોગ પ્રેરીને પણ શુદ્ધ કરવા છે પણ કસર રહેવા દેવી નથી. (૧/૬૩)

૧૭૬. શ્રાવણ વદિ છઠને દિવસે વાત કરી જે, 'બીજું બધું ભગવાન કરે પણ જે ભજન ને નિયમ પાળવા એ બે તો કોઈને ન કરી આપે, એ તો પોતાને જ કરવું પડે, તે જો કરે તો થાય.' (૬/૨૫૫)  

૧૭૭. નિત્યે લાખ રૂપિયા લાવે ને સત્સંગનું ઘસાતું બોલતો હોય તો તે મને ન ગમે; ને સૂતો સૂતો ખાય પણ ભગવાનના ભક્તનું સારું બોલતો હોય તો તેની ચાકરી હું કરાવું, એવો મારો સ્વભાવ છે. (૧/૨૩૭)

૧૭૮. એક દિવસે રાજ દેવાય પણ વિદ્યા ન દેવાય. ને રાજાનો કુંવર હોય તેને ગમે એટલું ખવરાવે તો પણ એક દિવસે મોટો ન થાય. એ તો ધીરે ધીરે મોટો થાય, તેમ જ્ઞાન પણ સંગે કરીને ધીરે ધીરે થાય છે. (૧/૧૩૨)

૧૭૯. બ્રહ્માંડ આખું સ્વામિનારાયણનું ભજન કરશે ત્યારે સત્સંગ થયો એમ જાણવું ને ત્યાં સુધી થાવો છે. ને એક એક સાધુની કેડ્યે લાખ લાખ માણસ ફરશે ત્યાં સુધી સત્સંગ થાવો છે. (૧/૯૦)

૧૮૦. ત્રીસ લક્ષણે યુક્ત સાધુરૂપ ભગવાન જાણવા ને ઓગણચાળીસ લક્ષણે યુક્ત રાજારૂપ ભગવાન જાણવા. બાકી ઐશ્વર્યપણે કરીને ભગવાનપણું નથી. આ વાત પણ અવશ્ય સમજવાની છે. (૧/૧૪૭)

૧૮૧. દેહ પડી ગયો એટલે શું થયું ? પણ જીવ ક્યાં મરે છે ? એ તો સાધુ થાવું ને સાધુતા શીખવી ને સ્વભાવ મૂકવા એ કરવાનું છે, પણ મરી ગયા એટલે થઈ રહ્યું ને કરવું બાકી ન રહ્યું, એમ ન સમજવું. (૨/૧૪૧)

૧૮૨. આપણે તો ભગવાનનો ખપ નથી પણ ભગવાન આવીને પરાણે આપણને વળગ્યા છે. તે મહારાજ કહે, 'ભૂત વળગે છે તે પણ નથી મૂકતું, તો અમે કેમ મૂકશું ?' (૧/૭૬)

૧૮૩. ભગવાને કહ્યું છે જે, "જેવો હું સત્સંગે કરીને વશ થાઉ છું એવો તપ, યજ્ઞ, યોગ, વ્રત, દાનાદિક સાધને કરીને પણ વશ નથી થાતો." તે સત્સંગ શું જે, 'મોટા એકાંતિકને હાથ જોડવા ને તે કહે તેમ કરવું એ જ છે.' (૧/૧૭)

૧૮૪. ભગવાન તો પોતાના ભક્તની રક્ષા કરવામાં જ બેઠા છે. કેની પેઠે ? તો જેમ પાંપણ આંખની રક્ષા કરે છે ને હાથ કંઠની રક્ષા કરે છે ને માવતર છોકરાંની રક્ષા કરે છે ને રાજા પ્રજાની રક્ષામાં છે, તેમ જ ભગવાન આપણી રક્ષામાં છે. (૧/૨૨)

૧૮૫. કલ્યાણનો ખપ કેવો રાખ્યો જોઈએ જે, ઓગણોતેરા કાળમાં ભીમનાથમાં રાંકાં માગવા આવતાં ને કરગરતાં ને તેને ધક્કા મારે પણ જાય નહિ, એવો ખપ રાખવો. (૨/૯૪)

૧૮૬. બોટાદ જતાં રસ્તામાં વાત કરી જે, 'જેને સુખિયું રહેવું હોય તેને પોતાથી દુખિયા હોય તેને સંભારવા, પણ પોતાથી સુખિયા હોય તેના સામું જોવું નહિ, કેમ જે, સુખ તો પ્રારબ્ધને અનુસારે મળ્યું છે.' (૪/૮૩)  

૧૮૭. આ જીવને પાંચ વાનાં અવશ્ય જોઈએ પણ તે વિના ન ચાલે ને બાકી તો સર્વ વિના ચાલે. તેની વિક્તિ જે, અન્ન, જળ, વસ્ત્ર, નિદ્રા ને સ્વાદ મધ્યે મીઠું ને તે વિના બીજું તો સર્વે ફેલ છે. (૨/૩)

૧૮૮. નાનું છોકરું હોય તેને ભય આવે તો પોતાનાં માવતરની કોટે બાઝી પડે, તેમ જ આપણે હરકોઈ દુઃખ આવે તો ભગવાનનું ભજન કરવું, સ્તુતિ કરવી, તે ભગવાન રક્ષા કરે. (૧/૩૧૬)  

૧૮૯. 'ભગવાન કેટલાકને સમૃદ્ધિ આપે છે ને કેટલાકને નથી આપતા, તેનું કેમ સમજવું ?' એ પ્રશ્ન છે. તેનો ઉત્તર જે, 'ઝાઝું ધન મળે તો વધારે ફેલ૧ કરે, માટે થોડું મળે તે ઠીક છે.' (૧/૨૩) 

૧૯૦. સત્સંગ થાય પણ સંગ વિના સત્સંગનું સુખ ન આવે, કેની પેઠે ? તો જેમ ખાધાનુ મળે પણ ખાધા વિના સુખ ન આવે, જેમ લૂગડાં-ઘરેણાં મળે તો પણ પે'ર્યા વિના તેનું સુખ ન આવે, તેમ સંગ વિના સત્સંગનુ સુખ આવે નહિ. (૧/૨૯)

૧૯૧. આ લીધું ને આ લેવું છે, આ દીધું ને આ દેવું છે, આ કર્યું ને આ કરવું છે, આ ખાધું ને આ ખાવું છે, આ જોયું ને આ જોવું છે, એ આદિક અનેક વાતું ખૂટે તેમ નથી. માટે એમાંથી નિવૃત્તિ પામીને પરમેશ્વરને ભજી લેવા. (૫/૪૦૫)

૧૯૨. જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે, એવો પોતાને સમજવાનો હોય; અને જેવો બીજાના દોષ જોવાનો આગ્રહ છે, તેવો પોતાના દોષ ટાળવાનો હોય તો કાંઈ કસર રહે જ નહિ. (૨/૬૧)

૧૯૩. આ સર્વે કામ મૂકીને આવીને નવરા બેસીને વાતું સાંભળીએ છીએ, તે એમ સમજવું જે કરોડ કામ કરીએ છીએ. તે શું જે, જમપુરી, ચોરાસી, ગર્ભવાસ એ સર્વને માથે લીટા તાણીએ છીએ પણ નવરા બેઠા છીએ એમ ન સમજવું. (૧/૫૦)

૧૯૪. સંતનો મહિમા કહ્યો જે, 'આવા સાધુનાં દર્શન કર્યે ભગવાનનાં દર્શનનું ફળ થાય છે, ને તેની સેવા કર્યે ભગવાનની સેવા કર્યાનું ફળ થાય છે; ને આપણે તેવા સાથે હેત થયું છે, માટે આપણાં પુણ્યનો પાર ન કહેવાય.' (૨/૨૧)

૧૯૫. સ્વામિનારાયણ નામના મંત્ર જેવો બીજો કોઈ મંત્ર આજ બળિયો નથી ને એ મંત્રે કાળા નાગનું પણ ઝેર ન ચડે ને એ મંત્રે વિષય ઊડી જાય છે, બ્રહ્મરૂપ થાય છે ને કાળ, કર્મ, માયાનું બંધન છૂટી જાય છે, એવો બહુ બળિયો એ મંત્ર છે. માટે નિરંતર ભજન કરવું. (૧/૧૫૩)  

૧૯૬. પોતામાં જે જે ગુણ હોય તે બીજાને દેખાડે તે કનિષ્ઠ, ને જે દેખાડે નહીં ને ઢાંકે નહીં તે મધ્યમ, ને જે ઢાંકી રાખે છે તે ઉત્તમ પુરુષ છે. ને મોટા હોય તે આપણા ઠેરાવ૧ ને આપણી રુચિ અનુસારે પ્રતિપાદન કરે. (૪/૧૦૦)

૧૯૭. આ સાધુ મનુષ્ય જેવા જણાય છે, પણ મનુષ્ય જેવા નથી ને આજ તો પ્રગટ ભગવાન છે, પ્રગટ સાધુ છે, પ્રગટ ધર્મ છે; ને આ સમામાં૧ જેને નહિ ઓળખાય તેને પછવાડેથી માથું કૂટવું પડશે. (૪/૪૯)

૧૯૮. કોઈ વાતની ચિંતા આવે તો ભગવાનને માથે નાખી દેવી ને આપણે તો બળિયા નહિ ને એ તો બળિયા તે એને રક્ષા કરતાં આવડે, જેમ પ્રહ્‌લાદજીની રક્ષા કરી તેમ અનેક પ્રકારે રક્ષા કરે. (૧/૩૦૯)

૧૯૯. કરોડ રૂપિયા ખરચતાં પણ આવા સાધુ મળે નહિ ને કરોડ રૂપિયા દેતાં પણ આ વાતું મળે નહિ ને કરોડ રૂપિયા આપતાં પણ મનુષ્યદેહ મળે નહિ; ને આપણે પણ કરોડ જન્મ ધર્યા છે, પણ કોઈ વખત આવો જોગ મળ્યો નથી. નીકર શું કરવા દેહ ધરવો પડે ? (૧/૧૯)  

૨૦૦. આવી વાતું બીજે ક્યાંઈ નથી; આ તો અક્ષરધામની વાતું છે, ભગવાનની છે, નારાયણની છે. અને બુદ્ધિવાળા હોય તે સાધુને ઓળખે, સત્સંગને ઓળખે. માટે મહારાજે કહ્યું છે જે, 'બુદ્ધિવાળા ઉપર અમારે હેત થાય છે.' (૪/૩૪)


 



 


 

 

 

 


 



No comments:

Post a Comment